અંક્લેશ્વરમાં ચોથા માળે ગેલેરીમાં રમતો 5 વર્ષનો બાળક 35 ફૂટ નીચે પટકાયો છતાં આબાદ બચાવ

શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (09:45 IST)
અંકલેશ્વરમાં આવેલાં સમડી ફળીયાના મુળજી કલ્યાણ ટાવરના ચોથા માળની ગેલેરીમાંથી અંદાજે 40 ફૂટ ઉપરથી શુક્રવારે સવારના 11.15 વાગ્યાના અરસામાં 5 વર્ષનો એક બાળક અકસ્માતે નીચે પટકાયો હતો. ચોથા માળેથી પડતી વેળાં ત્રીજા માળે આવેલી પ્લાસ્ટિકની છાજલી પર પડ્યાં બાદ બાળકના હાથમાં કેબલનો વાયર આવી જતાં તે વાયર પકડી નીચે પડ્યો હતો. જોકે, છાજલી અને વાયરના કારણે તેનો જમીન પર પટકાવાનો ફોર્સ ઘટી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં તેના સામાન્ય ઇજાઓ થતાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંક્લેશ્વરમાં મુળજી કલ્યાણ ટાવર નામની બહુમાળી બિલ્ડીંગના ચોથા માળે રહેતાં પ્રતિમ શાહનો શિશુ-1માં અભ્યાસ કરતો 5 વર્ષીય પુત્ર સિદ્ધમ શુક્રવારે સવારે 11.15 વાગ્યાના અરસામાં તેના ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. રમતી વેળાં ગેલેરીમાંથી નીચે જોતી વેળાં કે અન્ય કોઇ કારણસર તેનું સંતુલન નહીં રહેતાં તે ગેલેરીમાંથી નીચે પડી ગયો હતો. સદનશીબે તે નીચેના અન્ય ફ્લેટની ગેલેરીને લગાવેલાં પ્લાસ્ટિકની છાજલી પર પડ્યો હતો. તે સમયે તેના હાથમાં ત્યાંથી પસાર થઇ રહેલો કેબલ વાયર આવી જતાં તેણે વાયર ફીટ પકડી લીધો હતો. જે બાદ તે ત્યાંથી પણ નીચે પડ્યો હતો.જોકે, તેણે પડતી વેળાં કેબલ વાયર પકડી લીધો હોઇ જમીન પર પડવાનો ફોર્સ ઘટી જતાં તેને સામાન્ય ઇજાઓ જ થતાં તેનો આબાદ બચાવ થયો હતો.ઘટનાને પગલે તેના પરિવારજનો તેમજ આસપાસના લોકો તુરંત દોડી આવતાં તેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યાનુંસાર તેને મોઢાના ભાગે તેમજ |શરીરમાં અન્ય ભાગોમાં સામાન્ય ઇજાઓ જ થઇ હતી. આશ્ચર્યજનક રીતે બાળકે મોતને મ્હાત આપતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર