Gandhidham News - ગાંધીધામમાં આંગડિયામાં ચાર શખસ બંદૂક બતાવી રોકડા એક કરોડથી વધુની લૂંટ ચલાવી ફરાર

સોમવાર, 22 મે 2023 (23:20 IST)
Gandhidham News
ગાંધીધામમાં ભરબપોરે લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીમાંથી રૂ.એક કરોડથી વધુની રોકડ લૂંટી જવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. શખસોએ જવાહર ચોક, ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ આંગડિયામાંથી લૂંટ ચલાવી છે. પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ ચલાવી હતી. ચાર શખસે સમગ્ર લૂંટને અંજામ આપ્યો છે. હેલ્મેટ પહેરીને આવેલા 4 લૂંટારાએ બંદૂકના નાળચે લૂંટ ચલાવી છે. પોલીસ ફરિયાદ થયા બાદ લૂંટનો સાચો આંકડો બહાર આવશે. બે માસ પહેલાં પણ ગાંધીધામમા ફાયરિંગ કરી આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 40 લાખની લૂંટ ચલાવાઈ હતી. ત્યારે હવે ગાંધીધામમાં આવી જ એક બીજી ઘટના બની છે. ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં ભરબપોરે બંદૂકના નાળચે એક કરોડથી વધુની લૂંટને અંજામ આપી ચાર શખસ બાઈક લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં DySP સહિત LCB પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આજે ભરબપોરે શહેરના જવાહર ચોક, ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીમાંથી ચાર શખસે બંદૂકના નાળચે એક કરોડથી વધુની લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે CCTV ફુટેજના આધારે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ સમગ્ર બાબતે અંજાર DySp મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા ખાતે બપોરે 3 વાગ્યાની આસપાસ એક લૂંટનો બનાવ બનેલો. એમાં અંદાજે એકાદ કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે એ તમામ તપાસ અત્યારે ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ, ચારેક માણસો હતા. તેઓ હેલ્મેટ પહેરીને આવેલા. જોકે પોલીસ દ્વારા એ જ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. CCTV અને આસપાસના લોકોનાં નિવેદન પરથી આગળ શું કરવું એનો ખ્યાલ આવશે. અત્યારે તો LCB અને એ ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. બે માસ પહેલાં ગાંધીધામમા ફાયરિંગ કરી આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 40 લાખની લૂંટ કરનારા આરોપીઓ ઝડપાયા હતા. આ આરોપીઓ પૈકી એક આરોપીની ગાંધીધામની અન્ય એક અને રાજકોટની લૂંટમાં પણ સંડોવણી બહાર આવી હતી. ત્યારે હવે ગાંધીધામમાં આવી જ એક બીજી ઘટના બની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર