અમદાવાદમાં પબજી ગેમના ત્રણ મિત્રોએ ઠગાઈ આચરી, મિંત્રાની વોલેટ હેક કરીને ખરીદી કરી નાંખી

શનિવાર, 10 જૂન 2023 (23:31 IST)
નવરંગપુરાની મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ત્રણેય કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા
અમદાવાદ, રાજકોટ અને વડોદરાના ત્રણ મિત્રોએ દોઢ મહિનામાં વોલેટ હેક કરીને 20 જેટલી ખરીદી કરી
 
આજના ડિજિટલ યુગમાં છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં પબ્જી ગેમની મિત્રતાએ વિદ્યાર્થીઓને ઠગાઈના રવાડે ચઢાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ઓનલાઈન ખરીદીની એપ્લિકેશન વોલેટને હેક કરીને ઓનલાઈન ખરીદી કરતા હતા. બાદમાં આ વિદ્યાર્થીઓએ ટેક્નિકલ માસ્ટરીનો દૂર ઉપયોગ કરીને ઠગાઈ આચરતા પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
પાર્સલની માહિતી મેળવીને 3 વિદ્યાર્થીઓને પકડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર ગૌરાંગ પટેલ અને નિલ હરસોલા તેમજ અન્ય એક સગીરે ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી હતી. તેમને ઓનલાઈન ખરીદી માટેના વોલેટને હેક કરીને ખરીદી કરીને છેતરપીંડી આચરી હતી. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે પોતે છેલ્લા 5 વર્ષથી મીંત્રા નામની શોપિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જેમાં વોલેટ ચેક કરતા ખબર પડી હતી કે 3300 રૂપિયાની ઓનલાઈન ખરીદી થઈ હતી. જેથી મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ટેક્નિકલ એનાલિસીસ અને ઓનલાઈન પાર્સલની માહિતી મેળવીને 3 વિદ્યાર્થીઓને પકડ્યા હતાં.  
 
ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ કરતા
પોલીસે પકડેલા વિદ્યાર્થીઓમાં ગૌરાંગ પટેલ વડોદરાનો છે અને પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નિલ હરસોલા અમદાવાદની એલ જે કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે અન્ય સગીર વિદ્યાર્થી રાજકોટની કોલેજમાં અભ્યાસ કરે છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ પબ્જી ગેમમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને મિત્ર બન્યા હતા. આ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ પર ફ્રી કોમ્બો મેઈલ ઍક્સેસ વેબસાઇટ પર લોકોના ડેટા મેળવીને ઓનલાઈન ખરીદીની મીંત્રા વેબસાઈટ પર બગ દ્વારા ગ્રાહકની જાણ બહાર મોબાઈલ તથા ઇમેઇલ આઇડી ચેન્જ કરીને વોલેટ હેક કરીને ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ કરતા હતા. 
 
દોઢ મહિનામાં 20 જેટલી ઓનલાઈન ખરીદી કરી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે હેક કરેલા મીંત્રાના વોલેટમાંથી ગૌરાંગ ઓનલાઈન ખરીદી કરીને અમદાવાદમાં નિલના એડ્રેસ પર પાર્સલ ડિલિવરી કરાવતો હતો. નિલ આ વસ્તુઓ વેચીને 20 કમિશન મેળવીને રાજકોટના સગીરને પૈસા આપતો હતો. આ સગીર પણ 20 ટકા કમિશન લઈને 60 ટકા રૂપિયા ગૌરાંગને મોકલતો હતો. વિદ્યાર્થીઓ હોસ્ટેલની ફી ભરવા અને મોજશોખ માટે પૈસાની જરૂર હોવાથી ઠગાઇ કરી હતી. જેમાં ગૌરાંગે અગાઉ મીંત્રા વેબસાઈટ પર ઇમેઇલ દ્વારા બે વખત બગની જાણ કરી હતી. પરંતુ મીંત્રા દ્વારા સુરક્ષા નહિ વધારતા આ યુવકોએ ઠગાઈ કરીને દોઢ મહિનામાં 20 જેટલી ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી હતી. પોલીસે હાલમાં આ વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર