અમદાવાદમાં બહેનપણી સાથે દાબેલી ખાવા જતી યુવતીને છાતી પર હાથ ફેરવી પાડોશી યુવકે માર માર્યો

શનિવાર, 12 માર્ચ 2022 (16:03 IST)
અમદાવાદમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે વિધાનસભાના સત્રમાં સરકારે આપેલા આંકડામાં જાહેર થઈ ગયું છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નોંધાયેલા દુષ્કર્મના બનાવોની જે માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે તેમાં દુષ્કર્મના સૌથી વધુ 729 બનાવો અમદાવાદમાં નોંધાયેલા છે. એટલે કે અમદાવાદમાં દરરોજ સરેરાશ એક બનાવ બની રહ્યો છે. આવા સળગતા સવાલો વચ્ચે શહેરમાં ફરીએક વાર જાહેરમાં યુવતીની છેડતી કરવામાં આવી છે. બહેનપણી સાથે દાબેલી લેવા ગયેલી યુવતીની છાતી પર હાથ ફેરવીને યુવકે માર મારવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. 
 
યુવતી બહેનપણી સાથે દાબેલી ખાવા જતી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના આનંદનગરમાં રહેતી મહિલા બે દિકરા અને એક દિકરી સાથે રહે છે. ફરિયાદી મહિલા ઘરકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમની દિકરી પણ ઘરકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જ્યારે કામના સ્થળે હતી ત્યારે તેમની દીકરીનો ફોન આવ્યો હતો કે તે જ્યારે તેની બહેનપણી શિવાની સાથે દુકાને દાબેલી ખાવા જતી હતી ત્યારે તેના ઘરની સામેના ઘરમાં રહેતા યુવકે તેને રોકીને કહ્યું હતું કે, તું શિવાની સાથે કેમ જાય છે. 
 
પિતરાઈ ભાઈએ ઠપકો આપતાં આરોપીએ ધમરી આપી
મહિલાની દીકરીએ યુવકને કહ્યું કે અમે ક્યાં જઈએ છીએ એનાથી તેને શું વાંધો છે. શિવાની મારી મિત્ર છે એની સાથે હું ક્યાં જાઉ છું શું કરૂં છું એનાથી તેને શું તકલીફ થાય છે. આ સવાલથી અચાનક જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી મહિલાની દીકરીના છાતીના ભાગે હાથ ફેરવીને માર માર્યો હતો. દીકરીના ફોન પર વાત જાણીને મહિલા ઘરે આવી હતી. તે ઉપરાંત મહિલાના જેઠના દીકરાએ આરોપી યુવકને ઠપકો આપતાં યુવકે તેને પણ જોઈ લેવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતાં આનંદ નગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર