ગુજરાતમાં હેલ્થ માટે દારૂ’ની પરમિટ લેનારા લોકોમાં કોરોનાકાળમાં 16 હજારનો વધારો થયો

શનિવાર, 12 માર્ચ 2022 (11:01 IST)
રાજ્યમાં હાલની સ્થિતિએ 39334 લોકો પાસે હેલ્થ પરમિટ છે. હેલ્થ પરમિટ હેઠળ રાજ્યમાં વસતા લોકોને પોતાના આરોગ્યની જાળવણી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાની પાસે રાખવાની અને ઉપયોગ કરવાની પરવાનગી મળે છે.સૌથી વધારે 13034 હેલ્થ પરમિટ અમદાવાદ જિલ્લામાં છે. સુરત જિલ્લામાં 8054 હેલ્થ પરમિટ છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જિલ્લામાં 1989 લોકો હેલ્થ પરમિટ ઘરાવે છે.

આદિવાસી જિલ્લાઓમાં હેલ્થ પરમિટ ધરાવતા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં માત્ર એક જ વ્યક્તિ પાસે હેલ્થ પરમિટ છે. 33 ટકા હેલ્થ પરમિટ એકલા અમદાવાદ જિલ્લામાં છે. રાજ્યમાં 70 ટકા હેલ્થ પરમિટ મુખ્ય ચાર જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જિલ્લાઓમાં છે.હેલ્થ પરમિટ નિયમ 64, નિયમ 64 બી અને નિયમ 64 સી હેઠળના તમામ પરમિટનો આ વિગતોમાં સમાવેશ થાય છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 5547 મુલાકાતી પરમિટ જ્યારે 3729 પ્રવાસી પરમિટ ઇશ્યુ થયેલાં છે. લોકોની વધતી આવક અને રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં એરિયા મેડિકલ બોર્ડ હોવાના કારણે પરમિટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

પરમિટ માટે 40 વર્ષથી વધારે ઉંમર હોવી જોઇએ અને મહિને રૂ. 25 હજારથી વધારે આવક હોવી જોઇએ. જે-તે રોગ માટે લીધેલી સારવાર અંગેના જરૂરી આધારો આપવાના હોય છે. મેડિકલ એરિયા બોર્ડ એટેલે કે જે-તે વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં ચકાસણી થયા બાદ તેની ભલામણ આવે એ પછી જ પરમિટની કાર્યવાહી કરાતી હોય છે. જેમની પાસે પરમિટ હોય તેમને 40થી 50 વર્ષ વયજૂથમાં દર મહિને 3 યુનિટ, 50થી 65 વર્ષ વયજૂથમાં દર મહિને ચાર યુનિટ અને 65 વર્ષથી વધારે ઉંમર હોય તો મહિને યુનિટ મળવાપાત્ર હોય છે. શરત પણ હોય છે કે માન્ય વેન્ડર્સ પાસેથી જ દારૂ ખરીદી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર