અમદાવાદમાં 70 દિવસમાં 31.20 લાખ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી, તંત્રને 5.02 કરોડ રૂપિયાની આવક થઈ

બુધવાર, 14 ડિસેમ્બર 2022 (11:58 IST)
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં અમદાવાદની લાઈફલાઈન સમાન મેટ્રો ટ્રેનનું 30મી સપ્ટેમ્બરે લોકાર્પણ કર્યું હતું. આજે શહેરમાં મેટ્રોની સુવિધા શરૂ થયાના 70 દિવસમાં જ 31.20 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જેના કારણે મેટ્રો રેલ કોર્પોરેશનને 70 દિવસમાં જ 5 કરોડથી વધુની આવક થવા પામી છે. વસ્ત્રાલ ગામથી થલતેજલ સુધીના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર મુસાફરી કરનારા લોકોએ મેટ્રોનો સૌથી વધુ લાભ લીધો છે.  બીજી તરફ APMCથી મોટેરા રૂટ પર નોર્થ-સાઉથ કોરિડોરમાં 8.42 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે.
 
70 દિવસમાં  રોજ સરેરાશ 34730 મુસાફરો નોંધાયાં 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં મેટ્રો રેલ કોર્પોરેશનને મહિના પ્રમાણે મુસાફરોની સ્થિતિ જોઈએ તો ઓક્ટોબરમાં 15.44 લાખ, નવેમ્બરમાં 11.94 લાખ અને 11 ડિસેમ્બર સુધી 3.82 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. ઓક્ટોબરમાં રોજના સરેરાશ 53249 મુસાફર નોંધાયા હતા. નવેમ્બરમાં રોજ સરેરાશ 39804 અને 11 ડિસેમ્બર સુધી રોજ સરેરાશ 34730 મુસાફરો નોંધાયાં છે.
 
મેટ્રોમાં નોકરીયાત મુસાફરોની સંખ્યા વધી
શહેરમાં રોજ નોકરી જનારા લોકો સામાન્ય રીતે AMTS કે  BRTSનો ઉપયોગ કરતાં હતાં. તેમજ મોટાભાગના લોકો પોતાના વાહન લઈને નોકરી ધંધો જતાં હતાં. પરંતુ મેટ્રોની શરૂઆત થવાથી તેમને વધુ એક સુવિધા પ્રાપ્ત થઈ ગઈ છે. રોજ અપડાઉન કરતાં લોકો માટે  ટ્રાવેલ કાર્ડ શરૂ કરાયું છે. આ ટ્રાવેલ કાર્ડની વાત કરીએ તો ઓક્ટોબરમાં 11675, નવેમ્બરમાં 17255 જ્યારે ડિસેમ્બરમાં 18699 લોકોએ ટ્રાવેલ કાર્ડ ખરીદ્યું છે. ઓક્ટોબરમાં દરરોજ 403 કાર્ડ, નવેમ્બરમાં 575 કાર્ડની સામે ડિસેમ્બરમાં રોજ સૌથી વધુ સરેરાશ 1700 લોકોએ કાર્ડની ખરીદી કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર