ભાજપના કાર્યક્રમમાં કેટલા શિક્ષકો આવ્યાં તેમની હાજરી પુરાઈ, કેન્દ્રીય મંત્રીનો કાર્યક્રમ ફ્લોપ

ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (14:31 IST)
બુધવારે રાષ્ટ્રીય એકતા અભિયાન અંતર્ગત યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં કેન્દ્રીય નેતા રવિશંકર પ્રસાદે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સંખ્યા ખૂટતા શિક્ષકોને બોલાવવાની ફરજ પડી હતી. ભૂતકાળમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમમાં પણ ઓછી સંખ્યા થવાના કિસ્સા અમદાવાદમાં થઈ ચૂક્યા છે. જેથી શહેર સંગઠનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મોદી સરકારની બીજી ઇનિંગને 100 દિવસ પૂર્ણ થવા સાથે જ ભાજપનું રાષ્ટ્રીય એકતા અભિયાન ચાલી રહ્યું છે, જેને લઈને ભાજપે શહેરના ઇન્કમટેક્સ ખાતે આવેલા દિનેશ હોલ ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ તેમાં શહેર સંગઠનની કામગીરીના અનેક છીંડા સામે આવ્યા હતા..આ કાર્યક્રમમાં ભાજપ દ્વારા શહેર પ્રબુદ્ધ નાગરિકો અને ચેમ્બર ઓફ કોમર્સના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દિનેશ હોલ ખાતે 780ની ક્ષમતા ધરાવતા આ હોલ ભરવા માટે શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાના ત્રણ ત્રણ શિક્ષકોને ફરજીયાત હાજર રહેવા માટે મૌખિક સુચના આપવામાં આવી હતી. હદ તો ત્યારે થઇ કે આ કાર્યક્રમમાં કઈ શાળાના કેટલા શિક્ષકો હાજર રહ્યા તેની હાજરી પણ પુરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા એક શિક્ષિકાએ નામ ન જણાવાની શરતે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી અમે સ્કૂલમાં બાળકોને ભણાવવા ગયા હતા. કોર્પોરેશન દ્વારા ભાજપના રાષ્ટ્રીય એકતા અભિયાન કાર્યક્રમમાં હાજરી આપવા મૈખિક સૂચના આપી હતી. દરેક સ્કૂલ અને ઝોન પ્રમાણે ત્રણ ત્રણ શિક્ષકોને હાજરી આપવા માટે સૂચના મળી હતી. અમારા બાળકો સવારથી ઘરે એકલા છે, એટલા માટે અમે હવે ચાલુ કાર્યક્રમ છોડી જઈ રહ્યા છીએ.

ભૂતકાળમાં પણ ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં પણ કાર્યકરો એકઠા કરવામાં અમદાવાદ શહેર ભાજપ નિષ્ફળ રહ્યું હતું.તો મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં પણ કાર્યકરોની પાંખી હાજરી જોવા મળતી હોય છે. હદ તો ત્યાં થઈ કે ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા હોય છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા આયોજિત છેલ્લા ઘણા કાર્યકરોમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળે છે. 

તો બીજી તરફ કાર્યક્રમમાં ઉત્સાહિત થયેલા શહેર પ્રમુખ જગદીશ પંચાલે સ્વાગત પ્રવચનની શરૂઆતમાં જ મોદી સરકાર 2.0ને 100 દિવસના બદલે 100 વર્ષ કહ્યા હતા અને 2 વખત ભૂલ કરતા સ્ટેજ પર જ પોતાની ભૂલ સ્વીકારી હતી. વારંવાર શહેર ભાજપના કાર્યક્રમો પાંખી હાજરીનો વિષય શહેર ભાજપના કાર્યકરોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. કાર્યક્રમમાં પાંખી હાજરી માટે શહેરના કાર્યકરો શહેર પ્રમુખને જવાબદાર માની રહ્યાની આંતરિક ચર્ચા ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર