ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધિવત રીતે પૂજન અર્ચન કરી નૂતન ધ્વજારોહણ કરાયુ

શનિવાર, 17 જૂન 2023 (15:43 IST)
Harsh Sanghvi duly offered prayers and hoisted the new flag.
 ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે તરાજી સર્જી છે. વૃક્ષો, વીજપોલ અને મકાનોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે વાવાઝોડુ આવે તે પહેલાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયો તોફાની બનતાં દ્વારકામાં ભારે પવન અને વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન દરિયાનું તોફાન શમી જાય અને વાવાઝોડાથી વધારે નુકસાન ના થાય તે માટે દ્વારકા મંદિર પર બે ધજાઓ ચઢાવાઈ હતી. જેમાં એક ધજા ખંડિત થઈ હતી. વાવાઝોડુ જ્યારે તેના અંતિમ પડાવ પર આવ્યું ત્યારે દ્વારકા મંદિરમાં દર્શન માટે કપાટ બંધ કરી દેવાયા હતાં. હવે વાવાઝોડુ શમી જતાં ફરીવાર ભગવાનના દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધિવત રીતે પૂજન અર્ચન કરી નૂતન ધ્વજારોહણ કરાયુ હતું.  
 
મંદિરના શીખર પર નવી ધજા ચઢાવાઈ
યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં 'બિપરજોય 'વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને ગુરૂવાર અને ત્યારબાદ શુક્રવારે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય બાદ વાવાઝોડાની પરિસ્થિતિ કાબુમાં જણાતા તંત્ર દ્વારા દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું હતું. છેલ્લા ચારેક દિવસથી દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું ન હતું અને મંદિરના શિખર પર રહેલી ધ્વજા પણ પવનના કારણે ખંડિત થઈ ગઈ હતી. જેથી છેલ્લા ચાર દિવસથી દ્વારકા મુકામે રહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધિવત રીતે પૂજન અર્ચન કરી નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.
 
દરિયામાં અતિભારે કરંટ જોવા મળી રહ્યો છે
દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં 1500 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. ખાંભળિયાના કોલવા ભટ્ટ ગામમાં વીજપોલ ધરાશાયી થતાં ગામનો રસ્તો બ્લોક થઈ ગયો છે.દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાજોડાથી વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકા, ભાટિયા,  ટંકારીયા, નાગેશ્વર, નાવદ્રા ખંભાળિયામાં વૃક્ષો પડ્યા છે. ટંકારિયામાં 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે. દ્વારકામાં ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં પતરા અને શેડ ઉડી ગયા છે. બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયામાં અતિભારે કરંટ જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર