હિટ એન્ડ રન: અમદાવાદમાં ઝૂંપડાંમાં સૂતેલા લોકો કાર ફરી વળી, 4 ને ગંભીર ઇજા, 1નું મોત

મંગળવાર, 29 જૂન 2021 (08:50 IST)
હાથમાં સ્ટીયરિંગ આવે એટલે અનેક લોકો ભાન ભૂલીને બેફામ રીતે ગાડી હંકારે છે. ત્યારે અમદાવાદમાં હૃદય હચમચાવી દે તેવા એક્સિડન્ટની ઘટના સામે આવી છે. જેમાં એક કાર ચાલકે ફૂટપાથ પર ઝૂંપડી બાંધીને રહેતા 4 લોકો પર કાર ફેરવી દીધી છે. જેમાં 1નું મોત નિપજ્યું હતું. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અમદાવાદ શહેરના શિવરંજનીના બિમાનગર નજીક સર્જાઇ હતી. હિટ એન્ડ રન કેસમાં લબરમૂછિયાઓ એક કાર રેસ લગાવી રહ્યા હતા. ત્યારે ઇસ્કોન તરફથી ઓવરસ્પીડમાં આવી રહેલી કારે એક જ પરિવારના 5 સભ્યોને ચપેટમાં લીધા હતા. આ પરિવાર ઝૂંપડામાં જમી રહ્યો હતો ત્યારે કાળ બનીને આવી રહેલી કારે આ પરિવારને અડફેટે લેતા 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે  1નું મોત નિપજ્યું હતું. 
 
આ અણધાર્યા અકસ્માતમાં 45 વર્ષીય શતુબેનનું મોત નિપજ્યુ હતું, જ્યારે 35 વર્ષીય બાબુભાઈ ભાભોર, જેતન ભાભોર, ચેતન અને સુરેખાને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના બાદ કારમાંથી 4 યુવાનો ઉતરીને ભાગી ગયા હતા. આ યુવકોની ઉંમર 22 થી 25 હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
 
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસ હાથ ધરી છે. કારચાલકને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 
 
પોલીસ તપાસમાં આ કારના માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું જાણવા મળ્યું છે. જે અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલા ન્યૂ ગિરિરાજ ફ્લેટ ખાતે રહે છે. આજે વહેલી સવારે ટ્રાફિક પોલીસ તેના ઘરે પહોંચી તો ઘરે કોઇ મળ્યું ન હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર