હાઇકોર્ટે રિક્ષા ચાલકોને રેલવે પરસિરમાં પ્રવેશ માટે આપી મંજૂરી,ટ્રાફિક નિયમન અને પાર્કિંગ પોલિસીનું પાલન કરવું પડશે

શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (14:29 IST)
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના ઓટો રિક્ષા ચાલકોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે રિક્ષા ચાલકોને રેલવે પરિસરમાં પ્રવેશવા માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલા કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં ઓટો રિક્ષા ચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે ઓટો રિક્ષા ચાલક યુનિયને હાઈકોર્ટેમાં અરજી કરી હતી. આ અંગે સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું કે, ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટેની પોલિસી બનાવવામાં આવી છે તેનું પાલન કરવામાં આવે. 10 મિનિટ સુધીના સમયગાળામાં પાર્કિંગ થશે અને ત્યારબાદ તેઓ ફરીથી રી-એન્ટ્રી લઇ શકશે. સરકાર તરફથી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે જે રજૂઆત કરવામાં આવી છે એ સાચી નથી. નિયમ મુજબ 10 મિનિટથી વધુ સમય સુધી વાહન રેલવે પરિસરમાં રહે તો ત્યાં પાર્કિંગ ચાર્જ ચુકવવાનો હોય છે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિને લઈને કોઈ પાર્કિંગ ચાર્જ લેવામાં આવતો નથી. પહેલાથી જ રિક્ષાચાલકોને અંદર જવાની મંજૂરી હતી. તો બીજી તરફ અરજદારે રજૂઆત કરી હતી કે હાઇકોર્ટમાં અરજી દાખલ થયા બાદ તંત્ર દ્વારા રિક્ષાચાલકોને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન દ્વારા કરાયેલી જાહેરહિતની અરજીમાં જણાવ્યુ હતું કે છેલ્લા એકાદ મહિનાથી રેલવે સત્તાધીશો અને પોલીસ તંત્ર રિક્ષાચાલકોને મુસાફરોને લેવા મુકવા રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશવા દેતા નથી જે બંધારણની કલમ 19નું ઉલ્લંઘન છે. અમદાવાદ રેલવે સત્તાધીશો અને પોલીસ તંત્ર BRTS, ઓલા, ઉબેર, ખાનગી ટેક્સીને અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશ આપે છે, પરંતુ રિક્ષાચાલકોને એક મહિનાથી પ્રવેશ આપવામાં આવતો નથી. આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર