રાજકોટ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને કેસમાં વધારો થયો હોવાનું સ્વિકાર્યું હતું. જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય વધારો થયો છે તેને કંટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અન્ય જીલ્લામાંથી કોરોનાનાં દર્દીઓ દાખલ થઇ રહ્યા છે.
મુખ્યમંત્રીની સુચનાથી મારૂ ગામ કોરોના મુક્ત ગામનું અભિયાન શરૂ કર્યું છે. જેથી ગામડામાં પણ કોવિડ કેસ સેન્ટરો ઉભા કરવામાં આવતા કોરોનાનાં કેસમાં ઘટાડો થશે તેવું જણાવ્યું હતું. સાથે જ બેડની સ્થિતી માટે હેલ્પ લાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી અથવા તો વેબ સાઇટ પર થી બેડની સ્થિતીની માહિતી લોકો મેળવી શકશે.
રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનને લઇને લોકોમાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારનાં સરપંચો વેક્સિન પુરતા પ્રમાણમાં આપવામાં આવતી ન હોવાની ફરીયાદો કરી રહ્યા છે. જેને લઇને જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે, રાજ્ય સરકારની સુચના મુજબ ગ્રામ્ય વિસ્તારમાં 45 વર્ષ કરતા મોટી ઉંમરનાં લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવે તે માટેની સુચનાઓ આપવામાં આવી છે. જેથી 18 વર્ષ કરતા વધું ઉંમરનાં લોકોનું વેક્સિનેશન ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું નથી. જે રીતે વેક્સિનનો જથ્થો આવે છે તે પ્રકારે આયોજનો કરવામાં આવી રહ્યું છે. વચ્ચે ટેસ્ટીંગ કીટની અછત જોવા મળી હતી પરંતુ તે દુર થઇ છે.
ગ્રામ્ય વિસ્તારમાં જમીન પર પથારી પાથરીને કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાને લઇને જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, માઇલ્ડ સિમટમ્સ હોય તેવા દર્દીઓને દાખલ થવાની જરૂર નથી રહેતી પરંતુ તેવા લોકો હોમ કવોરન્ટાઇન થવાને બદલે પોતાનાં જ ગામમાં કોમ્યુનિટી હોલ અથવા તો પ્રાથમિક શાળામાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં કવોરન્ટાઇન થઇ શકે છે. જોકે ઓક્સિજનની અછતને લઇને કહ્યું હતું કે, રાજકોટમાં કેસ ઘટતા ઓક્સિજનનાં બેડ પણ ખાલી થયા છે અને ઓક્સિજનનો પુરતો જથ્થો મળી રહ્યો છે. જેથી રાજકોટ માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે.
રાજકોટમાં મ્યુકરમાઇકોસીસનાં રોગમાં વધારો થતા સિવીલ હોસ્પિટલમાં 200 બેડનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો હોવાનું નિવેદન જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને આપ્યું હતું. કોરોનાનાં બીજી લહેરમાં મ્યુકરમાઇકોસીસનું ફંગલ ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે. સમરસ કોવિડ સેન્ટરમાંથી એક તબીબને સિવીલ હોસ્પિટલમાં સારવાર કરવા મુકવામાં આવ્યા છે.