મોડી સાંજે અમદાવાદમાં વિજળીના કડાકા સાથે 2 ઇંચ, મહેસાણામાં 4 ઈંચ ખાબક્યો

શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (11:12 IST)
ગુજરાતમાં હાલ પુરજોશમાં ચોમાસું ખીલી ઉઠ્યું છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં મહેસાણામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં પણ 3.8 જેટલો વરસાદ નોંધાયો છે. તો આ તરફ અમદાવાદમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. થોડો સમય માટે આવેલા વરસાદે સમગ્ર અમદાવાદને પાણી પાણી કરી નાખ્યું. ખૂબજ તીવ્રતા સાથે આવેલા વરસાદ પહેલા વીજળીના કડાકા સંભળાયા હતા. જે બાદ તૂટી પડેલા વરસાદને કારણે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. અમદાવાદ સહિત રાજ્યમાં સવારથી 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.  
 
ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વલસાડ ઉમરગામ અને મહેસાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે બન્ને શહેરોમાં 3.8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
 
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યોછે. રાજ્યમાં અત્યાર સુધી 88.55 ટકા વરસાદ નોંધાયો છે.  જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 150.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 118.47 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 78.55 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 66.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં 63.25 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં થયેલા સારા વરસાદને કારણે રાજ્યના નર્મદા સહિત 206 જળાશયો ભરાયા છે. રાજ્યના 62 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર