અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં વિવિધ એક્ટિવિટી અને રમતો રમવા અનેક લોકો આવે છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 21 જેટલી વિવિધ એક્ટિવિટી-રમતોમાં ભાવ વધારાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટિમાં મંજૂર કરી દેવામાં આવી છે. જેથી હવે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવનારા સભ્યોએ જે ભાવવધારો કરીને ડબલ ફી નક્કી કરી તે ચુકવવી પડશે. વીર સાવરકર કોમ્પ્લેક્સના સભ્યોએ ખાનગી જીમ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જેટલી ફી લેવામાં આવે છે, તેટલી ફી હવે સરકારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તેટલી જ ફી ભરવી પડશે. આ ઉપરાંત જે પણ સભ્ય બને તેણે પોતાના વોર્ડના કોર્પોરેટરના સહી સિક્કા કરાવવા હવે ફરજિયાત રહેશે.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, નજીવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે રીનોવેશન પાછળ રૂ. 8 કરોડનો ખર્ચ થયો હતો.
આ ભાવવધારો કરવાથી વાર્ષિક રૂ. 8 લાખ આવક વધશે. દર વર્ષે રૂ. 27 લાખ જેવી આવક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની થાય છે.દરેક રમતો માટે જે ચાર્જ લેવામાં આવે છે તેની ફીમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ્નેશિયમમાં સૌથી વધુ ફી વધારો કરવામાં આવ્યો છે. ખાનગી જીમમાં જેટલી ફી હોય છે તેટલી નક્કી કરવામાં આવી છે. જીમમાં એક મહિનાની ફી 300 રૂપિયા હતી તેની જગ્યાએ 600 રૂપિયા કરી દેવામાં આવી છે, ત્રણ મહિનાની ફી 450 રૂપિયા હતી તેની જગ્યાએ સીધી 1800 રૂપિયા, 6-મહિનાની ફી 900ની જગ્યાએ સીધી 3600, તેમજ વાર્ષિક ફી 1500ની જગ્યાએ સીધી 6000 ફી કરી દીધી છે.