રાજકોટ જતી વોલ્વો બસમાંથી ઘાતક હથિયારો સાથે ચાર પાકિસ્તાની ઝડપાયા
શનિવાર, 25 ફેબ્રુઆરી 2017 (14:57 IST)
શહેરમાં ટાઈમર બોમ્બ મળ્યાની ઘટનાને 11 દિવસ થઈ ગયા છે છતાં હજુ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી ત્યારે આજે અમદાવાદથી રાજકોટ જતી એક ખાનગી ટ્રાવેલ્સની વોલ્વો બસમાંથી હથિયારો સાથે ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે બાતમીને પગલે કુવાડવા પાસે રોડ પર પહેલાથી જ વોચ ગોઠવી દીધી હતી. જેવી જ વોલ્વો આવી કે તરત તેની તલાશી લેવામાં આવી હતી. જેમાં હથિયાર અને જીવતાં કારતૂસ મળી આવ્યા હતા. ડીસીપી ઓડેદરાએ આપેલી માહિતી મુજબ પકડાયેલા શખ્સ પાકિસ્તાની છે. પકડાયેલા શખ્સોની પોલીસ પુછપરછ કરીને વધારે હકીકત બહાર લાવી શકે છે.ૃહથિયારો સાથે ચાર શખ્સ રાજકોટ તરફ આવી રહ્યા હોવાની માહિતી મળતાં કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, એટીએસ અને બીએસએફના જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓનો જમાવડો જામ્યો હતો. પોલીસે નેશનલ હાઈવે પર આવતી ખાનગી ટ્રાવેલ્સની વોલ્વોને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રોકી હતી અને જડતી લીધી હતી. બાતમીને પગલે પોલીસે રાખેલી વોચ દરમિયાન વોલ્વોને ઊભી રાખવામાં આવી હતી અને તેમાંથી મુસાફરોને ઉતારી તેમની તપાસ કરવામાં આવી હતી. જેમાં ચાર શકમંદો પાસેથી જીવતાં કારતૂસ અને હથિયાર મળી આવ્યા હતા. પોલીસ આ મામલે હજુ તપાસ કરી રહી છે.