ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું: લઘુત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચે ગયો

બુધવાર, 18 ડિસેમ્બર 2019 (14:51 IST)
ઉત્તર પશ્ર્ચિમ દિશાએથી ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં છેલ્લા બે દિવસથી શિયાળાનો ચમકારો જોવા મળી રહ્યો છે. પવનની ગતિ સામાન્ય દિવસોમાં રહેતી બે કિમીથી વધીને છ કિમી થઈ જતાં સવારથી ઠંડીની લહેરના પગલે વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ૯ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૧ થી ૧૨ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો સરેરાશ બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટતા લોકોએ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. આ વર્ષે ચોમાસુ એક મહિનો લંબાવા સાથે કમોસમી વરસાદના કારણે નવેમ્બર સુધી વરસાદી માહોલ રહ્યો હતો. જ્યારે નવેમ્બરથી શરૂ થતી ઠંડીની ઋતુ પણ મોડી પડી છે. સામાન્ય રીતે ચોમાસુ ઓક્ટોબરના અંત સુધીમાં પૂરુંં થતું હોય છે. તેમ છતાં ચાલુ વર્ષે હવામાનના ફેરફાર વચ્ચે વરસાદી વાતાવરણ નવેમ્બર સુધી રહ્યું હતું. નવેમ્બરના અંતમાં પણ કમોસમી વરસાદે ખાનાખરાબી સર્જી હતી, જેના પગલે નવેમ્બરથી શરૂ થતી શિયાળાની ઋતુ છેક ડિસેમ્બરના મધ્યભાગે શરૂ થઈ રહી છે. વલસાડમાં ઉત્તર-પશ્ર્ચિમની દિશાના ઠંડા પવન બે કિમીથી વધીને ૬ કિમીની ગતિએ ફૂંકાયા હતા, જેના પગલે બે દિવસથી લઘુત્તમ તાપમાન નીચું ઉતરી ગયું છે. સોમવારે લઘુત્તમ તપમાન ૧૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન પણ નીચું જઈ ૩૦ ડિગ્રી નોંધાતા રાત્રિથી લઈ સવાર સુધી તીવ્ર ઠંડી પડી હતી જ્યારે બીજા દિવસે પવનની ગતિ ધીમી રહી હતી, પરંતુ ઠંડીનું પ્રમાણ લગભગ યથાવત્ રહ્યું હતું. રાજ્યના જિલ્લાઓનું તાપમાન જોઈએ તો અમદાવાદમાં ૧૨ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૮, ગિરનારમાં ૮, ભાવનગરમાં ૧૫, પોરબંદરમાં ૧૫, વેરાવળમાં ૧૭, દ્વારકા-૧૭, ઓખા-૧૮, રાજકોટ-૧૧, ભુજ-૧૦, નલિયા-૮.૮, સુરેન્દ્રનગર-૧૧, ન્યુ કંડલા-૧૩, મહુવા-૧પ, દિવ-૧૬, ડીસા-૯.૮, વડોદરા-૧૪, સુરત-૧૭, વલસાડ-૧૬, વલ્લભ વિદ્યાનગર-૧૩ અને જામનગર-૧ર ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન હિમાલય પર્વત પરથી કચ્છ સુધી આવી પહોંચેલા બર્ફીલા ઠંડા પવનોએ મંગળવારે ઠંડીના મોજાને તીવ્ર બનાવ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના કચ્છના અબડાસા તાલુકાના નલિયા અને કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કચ્છના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના લોકો કરી રહ્યા છે. ઠંડીના મોજાંની અસર હેઠળ મોટાભાગના લોકોએ પોતાના ઘરે રહેવું પસંદ કર્યું હતું અને સાંજે સાત વાગ્યાથી જાણે સંચારબંધી લાદી દીધી હોય તેવો માહોલ ખડો થવા પામ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર