ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપનું જૂથ આમને સામને

ગુરુવાર, 30 મે 2019 (14:45 IST)
ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ભરાયેલાં ફોર્મની બુધવારે ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ખેડૂત વિભાગની 8 બેઠક માટે ભરાયેલાં તમામ 28 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠક માટે ભરાયેલા 16 ફોર્મ પૈકી 3 ફોર્મ રદ થતાં 13 ફોર્મ માન્ય રહ્યા હતા. ઊંઝા માર્કેટયાર્ડ પર કબજો જમાવવા ભાજપના બે જૂથો ગૌરાંગ પટેલ અને ડૉ. આશાબેન પટેલ આમનેસામને છે. પટેલ નરેન્દ્રભાઇએ કુલ ચાર ફોર્મ ભર્યા હોઇ ત્રણ ફોર્મ રદ કરાયાં હતાં. હવે 1લી જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે, એટલે કે 1લી જૂને આખરી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 9 જૂને ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10મીએ જાહેર થશે.
એશિયાખંડની સૌથી મોટી અને આર્થિક રીતે સધ્ધર ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા આ વખતે ભાજપના જ બે જૂથો આમને સામને આવતાં ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ભાજપનાં ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલની પેનલ મેદાનમાં છે. જેને લઇ સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આખરી મતદાર યાદી મુજબ ખેડૂત વિભાગના 313 મતદારો તેમજ વેપારી વિભાગના 1631 મતદારો છે. જ્યારે સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં એકપણ મંડળી ન હોઈ બે બેઠક રદ કરાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર