ચા, ખાંડ અને દૂધના ભાવ વધતાં અમદાવાદી ચા 10ને બદલે 12 રૂપિયાની થઈ

શનિવાર, 4 માર્ચ 2017 (13:02 IST)
અમૂલ દૂધના ભાવ વધારાના પગલે હવે ચાની ચૂસકીમાં પણ રૂ.રનો ભાવ વધારો થયો છે. રૂ.૧૦માં પડતી ચાની પ્યાલીના હવે રૂ.૧ર ચૂકવવા પડશે. કેટલાક ચાની કીટલીવાળાઓએ ભાવ વધારવાના બદલે ચાનો કપ નાનો કરી દીધો છે. ખાંડમાં પ્રતિ કિલોએ રૂ.૪થી ૬ના ભાવ વધારાએ અમારો આર્થિક બોજ વધાર્યા બાદ હવે દૂધના ભાવ વધારાને કારણે અમારે ચાના ભાવમાં વધારો કરવો પડયો છે.

ચાનાં વધતાં ચલણને પગલે બજારમાં ચાની કીટલીનો વ્યવસાય વધ્યો છે. કેશવબાગ પાસે છેલ્લાં દસ વર્ષથી ચાની કીટલી ધરાવતા સુરેશભાઇ રાઠોડે કહ્યું હતું કે ના છૂટકે અમારે ચાની પ્યાલીમાં ભાવ વધારો કરવો પડશે અને તેની કડવાશ લોકોને પણ અનુભવવી પડશે. ઘર કે ઓફિસમાં આવેલા મહેમાનો કે મુલાકાતીઓનું સ્વાગત ચાથી કરવાની પરંપરા છે એટલું જ નહીં બહાર મળતા મિત્રો પણ તેમની મુલાકાત બેઠકમાં અડધી ચા પીતા હોય છે. કેટલાક કીટલીધારકો ભાવ વધારાને સરભર કરવા ચાના કપની સાઇઝ બદલી નાખશે. સહજાનંદ કોલેજ પાસે ચાની કીટલી ધરાવતા ગોવિંદભાઇ ઠાકોરે કહ્યું હતું કે, અમે ચાની કવોલિટી અને કવોન્ટિટીમાં સમાધાન નહીં કરતાં હોવાથી દૂધ અને ખાંડના ભાવ વધારાના પગલે ચાના કપ દીઠ રૂ.રનો ભાવ વધાર્યો છે.

વેબદુનિયા પર વાંચો