ગુજરાતમાં ભીષણ ગરમી બાદ હવે હળવા વરસાદનો સમયગાળો શરૂ થયો છે. રાજ્યના ઘણા શહેરોમાં કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૩ મે, ૨૦૨૫ ના રોજ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી ૩ કલાક માટે આગાહી આપી છે જેમાં બપોરે ૧ વાગ્યાથી આગામી ત્રણ કલાકમાં છૂટાછવાયા, ભારે, મધ્યમ અને હળવો વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ગતિ પણ ઊંચી રહેશે. આજે અમરેલી, જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, રાજકોટ, ભાવનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર, બોટાદ, ડાંગ, સાબરકાંઠામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.
આજથી 15મી તારીખ સુધી કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની શક્યતા છે. આ પછી, 19 થી 22 તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં દબાણને કારણે, 24 મે થી 4 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
કયા જિલ્લામાં વરસાદ પડશે?
હવામાન વિભાગે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહિસાગર, કચ્છમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. જેમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂકાવાની સાથે હળવું વાવાઝોડું રહેશે. આણંદ, ભાવનગર અને ખેડા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ સાથે વીજળી પડવાની પણ સંભાવના રહેશે.
આ વખતે ચોમાસુ વહેલું બેસશે
28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે. આ વખતે ચોમાસુ વહેલું બેસશે તેવી આગાહી અગાઉ જ હવામાન ખાતું કરી ચૂક્યું છે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે, અને 25 જૂન થી 5 જૂલાઈ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.