ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ આજે 30 માર્ચે રાજ્યના ઉત્તર ગુજરાત અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરી શક્યતા છે.
આ હવામાન પલટાની મુખ્ય અસર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા જિલ્લાઓમાં જોવા મળશે. આ વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ આગાહી કરવામાં આવી છે. દેશભરની વાત કરીએ તો ગુજરાત સહિત કુલ 17 રાજ્યોમાં હાલ પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) ને કારણે આવી જ સ્થિતિ સર્જાઈ છે.
હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારનું મુખ્ય કારણ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પ્રણાલીઓ છે. પવનની દિશા બદલાવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, આ રાહત માત્ર ટૂંકા ગાળા માટે હશે, કારણ કે 2 અને 3 એપ્રિલે ફરી એકવાર વરસાદી ઝાપટાં પડવાની શક્યતા સેવાઈ રહી છે.
આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ખાસ કરીને ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ અને ફળોના રાજા ગણાતી કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ન જાય તે માટે ખેડૂતો અને વેપારીઓ દોડધામ કરી રહ્યા છે. અમરેલી સહિતના કેટલાક વિસ્તારોમાં તો અત્યારથી જ વરસાદી ઝાપટાં શરૂ થતા રસ્તાઓ ભીના થયા છે.