ગુજરાત ફરી ધમકતું થયું, વેપારીઓમાં ખુશીનો માહોલ, ક્યાંક ટ્રાફિક જામ તો ક્યાં કતારો લાગી

મંગળવાર, 19 મે 2020 (11:27 IST)
લોકડાઉનના ચોથા તબક્કા બાદ રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેથી કન્ટેંટમેન્ટ ઝોન બહાર આવતાં ધંધા વેપાર ફરી શરૂ થઇ ચુક્યા છે. ગુજરાતમાં ફરી ધંધા રોજગાર શરૂ થઇ ગયા છે. છેલ્લા બે માસથી બંધ પડેલી આ દુકાનોમાં વેપારીઓએ વહેલી સવારથી સાફ-સફાઈ કરી ધંધા-વેપારની નવેસરથી શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે કરેલા મહત્વના નિર્ણય  બાદ વેપારી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.. વેપારીઓએ જણાવ્યું કે હાલ દુકાનો આજથી શરૂ કરવામાં આવી છે પરંતુ વેપારમાં તેજી આવતાં છ માસ જેટલો સમય લાગી શકે છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં હેર સલૂન, મોબાઈલ - એસેસરીઝની દુકાન, કપડાંની દુકાન, સ્ટેશનરીની દુકાનો ખોલવામાં આવી હતી. હેરકટિંગની દુકાનોમાં સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા. સલૂનમાં હેર કટ કરાવનાર માસ્ક સાથે અને હેર કટ કરનાર માસ્ક તેમજ હાથમાં ગ્લોઝ સાથે જોવા મળ્યા હતા.  
 
અમદાવાદ, સરખેજ ગાંધીનગરના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકડાઉન ખૂલ્યાના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસ ટ્રાફીક નિયંત્રણના કંટ્રોલ કરતા નજરે પડ્યા હતા. દોઢ મહિનાના લાંબા સમય બાદ અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. 
 
લોકડાઉનમાં છૂટછાટ મળતા લોકો ઘરની બહાર દુકાન ખોલવા અને નોકરી પર જવા નીકળ્યા હતા. લોકડાઉનના 55મા દિવસે શહેરમાં ફરી ટ્રાફિક સિગ્નલ પણ ફરી શરૂ થયા છે. આજથી જન જીવન ફરી શરૂ થતાં કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્વશ્યો પણ સર્જાયા હતા. 
 
આજથી ફરી એકવાર ગુજરાતના મોટાભાગના શહેરોમાં ચાની કિટલીઓ, ગેરેજ, સલૂન, સહિતની દુકાનો પૂર્વવત શરૂ થઇ ગઇ છે. લોકોની રસ્તાઓ પર સામાન્ય દિવસ જેવી ચહલપહલ જોવા મળી છે. શહેરો પણ ધબકતા થયા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે તંમાકૂના બંધાણીને 55 દિવસથી તમાકૂ માટે અધીરા બન્યા છે. ત્યારે અમદાવાદમાં પાન પાર્લરની દુકાનો પર સવારથી જ લોકોની લાઈન લાગેલી જોવા મળી હતી. તમાકુ અને તમાકુની બનાવટના બંધાણીઓ ગલ્લા પર ઉમટ્યા હતા. લોકો તમાકુ અને ગુટકાના મ્હોં માંગ્યા ભાવે ખરીદી રહ્યા છે. જોકે, પાન પાર્લરની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળ્યો છે. બંધાણીઓમાં કોરોનાનો કોઈ ડર દેખાતો નથી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ અમદાવાદમાં વેપાર-ધંધા શરુ કરવાને શરતી મંજૂરી અપાઈ છે. જોકે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રહેતો સ્ટાફ કે દુકાનદાર પશ્ચિમ અમદાવાદમાં નહીં આવી શકે. આ ઉપરાંત, અમદાવાદમાં રિક્ષાઓ પણ હાલ ચાલુ ના કરવાની સીએમે જાહેરાત કરી છે. ટુ વ્હીલર પર મુસાફરી કરવાની પણ સીએમે મંજૂરી અપાઈ હોવાની જાહેરાત કરી છે, પરંતુ ડબલ સવારી નહીં જઈ શકાય. આ ઉપરાંત, કારમાં ડ્રાઈવર સિવાય બે વ્યકિતને જવાની છૂટ અપાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર