ગુજરાતની ભાજપ સરકારની અસમનજસતાનો વઘુ એક નમૂનો સોશિયલ મીડિયામાં ચર્ચાઓ

સોમવાર, 30 જુલાઈ 2018 (13:00 IST)
ગુજરાતના શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ અભ્યાસની ચિંતામાંથી મુક્ત થઇને રાજ્યના સૌથી મોટા લોકઉત્સવ નવરાત્રિમાં સામેલ થઇ ઉજવણી કરી શકે તેવા હેતુથી ચાલુ શૈક્ષણિક સત્રથી નવરાત્રિના નવ દિવસ વેકેશનની શનિવારે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જાહેરાત કરી હતી. જોકે, સરકારના આટલા મહત્વના નિર્ણય અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાને જાણમાં ન હોવાનું મીડિયા સમક્ષ નિવેદન કરતાં સમગ્ર મુદ્દો સોશીયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને રાજ્ય સરકારમાં અનેક મહત્વના મુદ્દાઓ, નિર્ણયોમાં અનિર્ણાયક્તા, અનિશ્ચિતતા અને અસમનજસતાના કિસ્સાઓ બહાર આવતા રહ્યા છે તેમાં આ મુદ્દાએ વધુ એક વખત  સોશીયલ મીડિયામાં ભાજપને ટાસ્ક ઉપર લેવાનો મોકો આપ્યો છે.સમગ્ર મુદ્દા અંગે માહિતગાર સૂત્રો કહે છે કે, શિક્ષણ વિભાગનો કેબિનેટ હવાલો ભુપેન્દ્રસિંહ ચુડાસમા સંભાળે છે તેમના નીચે રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિભાવરીબેન દવે તેમજ મેડિકલ એજ્યુકેશન સંદર્ભે કિશોર કાનાનીને જવાબદારી સોંપાઇ છે.  વિભાવરીબેને મીડિયા સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, શિક્ષણ વિભાગના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ દરખાસ્ત મુકી હતી અને મુખ્યમંત્રીએ તેનો સ્વીકાર કરી મંજૂરી આપી છે. બીજી તરફ રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટીવી મીડિયાએ આ નિર્ણય સંદર્ભે પૃચ્છા કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘આવા નિર્ણયની મને ખબર નથી. લાંબા સમયથી શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્યની અવધિ વેરવિખેર થઇ ગઇ છે. આથી એકેડેમિક યરને સ્ટ્રીમ લાઇન કરવા માટે ચાલુ શૈક્ષણિક સત્રના પ્રારંભે જ શિક્ષણ વિભાગે એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી તેની વિધિવત જાહેરાત કરી હતી.  ૭ જૂનના રોજ સરકારે વિધિવત જાહેરાત કરી તેમાં નવરાત્રિના વેકેશનનો પણ સમાવેશ થતો હતો. સ્વાભાવિક રીતે આ મુદ્દે શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી સાથે પરામર્શ કર્યો હોય પછી જ તેને આખરી ઓપ અપાયો હોય. પરંતુ હવે જ્યારે મુખ્યમંત્રીએ પોતાને જાણ નથી એમ કહેતાં સરકારમાં વિવિધ વિભાગો, મંત્રીઓ વચ્ચે સંકલનના મુદ્દે પ્રશ્નો સર્જાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર