દરેક ઘરમાં પાઈપ લાઈન દ્વારા ગેસ આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે
ગુરુવાર, 14 જૂન 2018 (13:04 IST)
ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં ઘેર-ઘેર પાઈપ દ્વારા ગેસ પહોંચાડવામાં આવશે. ગેસના વિતરણ માટે માટે રાજ્યના આઠ જિયોગ્રાફિકલ એરિયામાં પેટ્રેલિયમ એન્ડ ન્યુટરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા બિડિંગ કરવામાં આવશે. દેશના 22 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 174 જિલ્લામાં આવેલ કુલ 86 જિયોગ્રાફિકલ એરિયામાં ગેસ વિતરણ માટે સીજીડી કંપનીઓને બોલી લગાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.ગેસના વિતરણ માટે થઈ રહેલી હરાજીમાં ગુજરાતના 14 જિલ્લાનો પણ સમાવેશ થઈ રહ્યો છે, આ જિલ્લાઓને સીજીડી નેટવર્ક અંતર્ગત અગાઉ કવર કરવામાં નહોતા આવ્યા. ત્યારે આ 14 જિલ્લાને આવરી લેવામાં આવતાં ગુજરાત દેશનું 100 ટકા સીજીડી નેટવર્ક કવરેજ ધરાવતું પહેલું રાજ્ય બની જશે. સીજીડી બિડિંગના ભાગ રૂપે ગાંધીનગરમાં બુધવારે રોકાણકારો માટે એક બેઠક બોલાવી હતી જેમાં PNGRBના ચેરપર્સન ડી.કે. સર્રફ પણ હાજર રહ્યા હતા.સુરેન્દ્રનગર, નર્મદા, પોરબંદર, જૂનાગઢ, મહિસાગર, તાપી, ડાંગ અને ગીર સોમનાથ જિલ્લાને સીજીડી નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે. નવમા રાઉન્ડની બોલી જમા કરાવવાની છેલ્લી તારીખ 10 જુલાઈ છે. સીજીડી માર્કેટ અગાઉથી જ ગુજરાતમાં વિકસી રહ્યું છે ત્યારે સર્રફે પહેલેથી જ રાજ્યમાં ગેસનું વિતરણ કરતી કંપનીઓને ગુજરાતથી આગળ વધીને દેશના અન્ય ક્ષેત્રોમાં પણ સીજીડી નેટવર્ક ઉભું કરવા માટે કહ્યું છે.ગુજરાતમાં ગેસ વિતરણના ખડતલ વિકાસ અંગે વાત કરતા સર્રફે કહ્યું કે, દેશભરમાં ઉપયોગમાં લેવાતી એનર્જીમાં નેચરલ ગેસનો હિસ્સો 6 ટકા છે, દુનિયાભરમાં નેચરલ ગેસનો હિસ્સો 24 ટકા છે જ્યારે ગુજરાતમાં ઉપયોગમાં લેવાતી એનર્જીમાં નેચરલ ગેસનો હિસ્સો 25 ટકા છે. 17.45 લાખ કનેક્શનની સાથે દેશભરમાં ગુજરાત સૌથી વધુ પીએનજી કનેક્શન ધરાવતું રાજ્ય બની ગયું છે.