બિલકુલ એક્શન ફિલ્મ જેવો સીન, લૂંટારૂઓનો CID પર ગોળીબાર, જીવના જોખમે પોલીસે ત્રણને પકડ્યા

શુક્રવાર, 8 જૂન 2018 (12:36 IST)
નિકોલ-કઠવાડા રોડ પરની નિલકંઠ રેસિડન્સીમાં  ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પાંચ લૂંટારુઓ વચ્ચે સામસામે 12 રાઉન્ડ ગોળીબાર થતા ખળભળાટ મચી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમીના આધારે લૂંટ અને ચોરી કરતી ગેંગને પકડવા પહોંચી હતી. ત્રીજા માળનો દરવાજો ખખડાવતા જ અંદરથી નીકળેલા શખ્સે ફિલ્મી સ્ટાઈલે પોલીસ પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. એક્શન ફિલ્મની જેમ સામસામા ગોળીબારના રમઝટમાં આરોપીઓ ફોક્સવેગન પોલો કારમાં ભાગ્યા હતા. જ્યારે પ્રકાશ ગોસ્વામી સહિત ત્રણ આરોપીને પોલીસે તમંચા સાથે જીવના જોખમે પકડી પાડ્યાં છે. ફાયરીંગ કરનારાઓ પૈકી કેટલાક બનાસકાંઠા અને કેટલાક રાજસ્થાનના હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જો કે, પકડાયેલા આરોપી પાસેથી ભાગેલા આરોપીઓના નામ-સરનામા મેળવી તેમને પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ છે. ઘટનાની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ સહિત શહેરના અનેક ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. રાજેશ સુવેરાની ટીમના પી.એસ.આઈ. વાય.એમ ગોહિલને બાતમી મળી હતી કે, નિકોલ-કઠવાડા રોડ પર આવેલી નિલકંઠ રેસિડન્સીના ત્રીજા માળના એક ફ્લેટમાં ઘરફોડ ચોરી કરતો આરોપી રોકાયો છે. બાતમી આધારે પોલીસ ટીમ આરોપીને પકડવા નિલકંઠ રેસિડેન્સીના ફ્લેટ પર પહોંચી ત્યારે દરવાજે તાળુ હતું. પોલીસે તાળુ તોડવા પ્રયાસ કરતાં આરોપીઓ એલર્ટ બન્યા હતા અને ધુમાડો કર્યો હતો પછી દરવાજા બહાર પોલીસ ટીમને જોઈ હથિયાર સાથે સજ્જ આરોપીઓએ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતુ. ફિલ્મોમાં સર્જાય તેવા દૃશ્યો સાથે આરોપીઓએ પોલીસ પર એક બાદ એક એમ કુલ આઠ રાઉન્ડ ગોળીબાર કરતા કરતા ભાગ્યા હતા. જ્યારે સત્તાવાર રીતે પોલીસે પણ સ્વબચાવમાં ચાર રાઉન્ડ ગોળીબાર કર્યાનું સિનિયર અધિકારીનું કહેવું છે. આ નાસભાગમાં પોલીસે પ્રકાશને એક દેશી તમંચા સાથે પકડી પાડ્યો હતો. જ્યારે બે ને રેલવે સ્ટેશનથી ઝડપી લીધા હતાં જોકે હજુ બે સાગરીતો પોલો કારમાં ફરાર થઈ ગયા હતા. જેમની શોધખોળ કરવા પોલીસે રાજ્યની વિવિધ બોર્ડ પર નાકાબંધી ગોઠવી દીધી છે. પકડાયેલા આરોપી પ્રકાશ પાસેથી પોલીસે ફરાર આરોપીઓના નામ-ઠામ મેળવી તેમને પકડી પાડવા ટીમો કામે લગાડી હતી. ક્રાઈમબ્રાન્ચની ટીમ પર ગોળીબાર થયાની જાણ થતા જ ડીસીપી દીપન ભદ્રન, ઝોન-૫ ડીસીપી હિમકરસિંગ સહિતના સિનિયર અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે, નિલકંઠ રેસિડન્સીના ત્રીજા માળના એક ફ્લેટમાં બનાસકાંઠાથી આવીને એક ઘરફોડ ચોર રોકાયો હોવાની બાતમી હતી. ઘરમાં એક જ આરોપી હોવાની બાતમીના કારણે પોલીસ પહેલેથી એલર્ટ ન હતી. પકડાયેલા આરોપીએ કબૂલાત કરી છે કે, પાંચેય જણા બે અલગ ગેંગના લોકો છે. એક આરોપી ઘરફોડ ચોરી કરવા આવ્યો હતો, જ્યારે બાકીના ચાર જણા લૂંટના ઈરાદે આવ્યાં હતા અને બન્ને પરિચિત હોવાથી એક જ ફ્લેટમાં રોકાયા હતા. સામસામા ગોળીબાર શરૂ થતા એક હુમલાખોર હાથમાં પિસ્તોલ સાથે ત્રીજા માળે આવેલા ફ્લેટની ગેલેરીમાંથી પાઈપ પર પહોંચ્યો હતો. પોલીસની એક ટીમ નીચે તેને પકડવા પહોંચી ત્યારે તેણે પાઈપ પકડીને નીચે ઉતરતા-ઉતરતા પણ ફાયરીંગ કર્યા હતા. પાઈપથી ઉતરેલો શખ્સ જ પોલો કાર પાર્કિંગમાંથી કાઢી લાવ્યો હતો અને સીડીથી ઉતરેલા અન્ય ચાર આરોપીઓને બેસાડીને ભાગી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે ઘરનું તાળું તોડી અંદર ઘુસવા પ્રયાસ કર્યો ત્યારે હુમલાખોરોએ ધુમાડો કર્યો અને બ્લાસ્ટ કરવાની ધમકી આપી ફાયરિંગ કર્યું. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ નીચે ઉતરી ગઇ. આ સમયે હુમલાખોર પૈકી કેટલાક ધાબા પર ભાગ્યા. આ જ સમયે ફ્લેટમાંથી લોકો નીચે ઉતર્યા તેમની સાથે બે હુમલાખોર નીચે ઉતરી ભાગ્યા હતા. આ મામલે મોડી રાત્રે નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર