આદિવાસી સંમેલનમાં પહોંચેલા વન પર્યાવરણ મંત્રીની કાર પર પત્થર ફેંકાયા

સોમવાર, 15 જાન્યુઆરી 2018 (11:40 IST)
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ત્રિદિવસીય ‘આદિવાસી એકતા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપવા ગયેલા રાજ્યના વન, આદિજાતિ વિકાસ, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવાની કાર પર અસામાજિક તત્વોએ પથ્થર ફેંકીને ગાડીનો કાચ તોડી નાખ્યા હતા. જે સંદર્ભે વસાવાએ કહ્યું હતું કે, આ હુમલો આદિવાસીઓની એકતા અને સંગઠનને ન જોઈ શકતા અસામાજિક તત્વોનું કારસ્તાન છે. રાજપીપળા ખાતે અજાણ્યા ઇસમો દ્વારા થયેલા આ અચાનક હુમલા સંદર્ભે સુરત સરકિટ હાઉસ ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, તેમની ગાડી પર પથ્થર ફેંકીને હુમલો કરનાર ઇસમો આદિવાસી એકતા અને સંગઠનને તોડવાનું કામ કરતા અસામાજિક તત્વો છે. આદિવાસી સંમેલન સફળ ન બને અને આદિવાસી સમાજ બદનામ થાય તે માટે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારા કોઈ વિઘ્નસંતોષીનું આ કારસ્તાન હોવાનું તેમણે જણાવ્યું હતું. આદિવાસી સમાજ વર્ષોથી કચડાયેલો સમાજ છે. આદિવાસી સમાજનું ભરપૂર સમર્થન અને અવિરત પ્રેમ મને મળ્યો છે. કેટલાક અસામાજિક તત્વોને આ પસંદ નથી. આદિવાસી સમાજ ક્યારેય સંગઠિત ન બને, પછાત અવસ્થામાં જ રહે અને વિકાસની મુખ્યધારામાં સામેલ થઇ પ્રગતિના માર્ગે આગળ ન વધે એવું અસામાજિક તત્વો ઈચ્છી રહ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર