રૂપાણીએ બનાસકાંઠાના પુરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી

સોમવાર, 31 જુલાઈ 2017 (15:08 IST)
રૂપાણીએ અતિવૃષ્‍ટિથી અસરગ્રસ્‍ત બનેલા બનાસકાંઠા જીલ્‍લાના કાંકરેજ તાલુકાના ખારીયા અને થરાની મુલાકાત લઇ મૃતકોના પરિવારજનો અને અસરગ્રસ્‍તોને મળી ખબરઅંતર પુછી મૃતકોને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી આપત્તિના આ કપરા સમયમાં સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ આપ્‍યો હતો. ખારીયા પહોંચીને તેમણે બોટમાં બેસીને પરિસ્‍થિતીનું નિરીક્ષણ કર્યુ હતું.

અસરગ્રસ્‍તો સાથેની મુલાકાતમાં મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે છેલ્‍લા સો વર્ષમાં ન જોયુ હોય તેવુ પૂરતાંડવ બનાસકાંઠામાં આ વર્ષે કમનસીબે આવ્‍યું હતું. તેમણે કહ્યું કે રાજય સરકારે અગમચેતીનાં પગલાઓ લઇ લોકોને સાવધ કર્યા હતા, તેમજ વિશાળ સંખ્‍યામાં લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું હતું પરિણામે મોટી દૂર્ઘટના નિવારી શકાઇ છે. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે પૂરની પરિસ્‍થિતીમાં તાકીદે એન.ડી.આર.એફ., આર્મી, હેલીકોપ્‍ટરો, વહીવટીતંત્ર વગેરે દ્વારા યુધ્‍ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી

જેનાથી ૮,૦૦૦ કરતાં વધુ લોકોને બચાવી શકાયા છે.  રૂપાણીએ કહ્યું કે અસરગ્રસ્‍તોને ઝડપથી સહાય આપવા અને જીલ્‍લામાં પૂર્વવત પરિસ્‍થિતીના નિર્માણ માટે હું અને સચિવશ્રીઓ  ૫ દિવસ બનાસકાંઠા અને પાટણ જીલ્‍લામાં રોકાણ કરીશું. તેમણે કહ્યું કે પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પૂર્વવત પરિસ્‍થિતીનું નિર્માણ કરવામાં જે ખર્ચ કરવો પડે તે કરવામાં કોઇ કચાશ રખાશે નહિં. તેમણે જણાવ્‍યું કે ગુજરાતનો સ્‍વભાવ છે કે આપત્તિનો મક્કમ મુકાબલો કરીને નવસર્જન કરવું. મુખ્‍યમંત્રીશ્રીએ કચ્‍છ જીલ્‍લામાં આવેલ ભૂકંપનો ઉલ્‍લેખ કરતાં કહ્યું કે ભૂકંપથી વિનાશ થયેલ કચ્‍છ જીલ્‍લો રાજય સરકારના વિરાટ પ્રયાસોથી અત્‍યારે વિકાસનું મોડેલ છે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન  મોદી પૂરગ્રસ્‍ત  વિસ્‍તારોની ચિંતા કરી સતત માહિતી મેળવી પૂર્વવત પરિસ્‍થિતીના નિર્માણ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા હતુ તેના કરતાં સવાયું બનાવવું છે.

વેબદુનિયા પર વાંચો