નીતિન પટેલને કોણ હેરાન કરે છે, જાણો તેમણે ટ્વિટર પર શું ટ્વિટ કર્યું
શુક્રવાર, 25 મે 2018 (12:40 IST)
સોશિયલ મીડિયામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે એક અફવા ચાલી રહી હતી કે તેઓ કેટલાક ધારાસભ્યો સાથે ભાજપ છોડશે તે ઉપરાંત તેઓ ભાજપની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યાં છે. આવી અફવાઓનું ખંડન કરતાં તેમણે ટ્વિટર પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આ અફવાઓને સાચી માનવી નહીં. છેલ્લા કેટલાક દિવસથી સોશલ મીડિયા પર અહેવાલ વહેતા થયા છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપથી નારાજ છે અને તેઓ નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. કેટલાક પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો હતો કે નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપીને હાર્દિક પટેલને ખુલ્લુ સમર્થન આપશે. એટલુ જ નહી આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો નીતિન પટેલ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે મળી ભાજપ સામે બળવો પર કરી શકે છે.
જોકે નીતિન પટેલે આ તમામ દાવાઓને અફવા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, રાજીનામાની વાત કોઇએ ઉપજાવી કાઢી છે. મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી મને બદનામ કરવા માટેનો આ પ્રયાસ છે. નીતિનભાઈએ ટ્વીટ કરતાં લખ્યું કે છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો તરફથી મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકશાન કરવા માટે સોશલ મીડિયામાં ઉપજાવી કાઢેલા સમાચાર અને ખોટી પોસ્ટ મુકવામાં આવી રહી છે. આથી સર્વે શુભેચ્છકો, કાર્યકરો અને નાગરીકોને આવી અફવાઓ ન માનવા નમ્ર વિનંતી છે .જોકે અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે આખરે નીતિનભાઈની પ્રતિષ્ઠાને કોણ ખરાબ કરવા માગે છે..?