તા. 2 જૂનનાં રોજ જેઠ સુદ એકાદશી છે, જેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. આખા વર્ષની એકાદશીનું ફળ આપતી આ એકાદશી ભીમે કરી હોવાથી તેને ભીમ અગિયારશ પણ કહેવાય છે. આ દિવસે જળથી ભરેલા કુંભનું દાન કરવાનું પણ ખાસ મહત્વ છે.
આ અંગે પ્રજ્ઞાચક્ષુ, યુવા કથાકાર કૃણાલભાઇ શાસ્ત્રીજીએ કહ્યું કે પૌરાણિક કથા એ છે કે વેદવ્યાસજી અને પાંડવો એકાદશી ઉપર ચર્ચા કરતાં હતાં ત્યારે ભીમે કહ્યું કે, વર્ષની બધી એકાદશી મારાથી નહીં થાય કેમકે હું ભૂખ્યો નથી રહી શકતો. આ સમયે ભગવાન વેદ વ્યાસે કહ્યું જો તમારાથી આખા વર્ષની એકાદશી ન થાય તો તમે જેઠ સુદ એકાદશીનો ઉપવાસ કરો અને પ્રભુ આરાધના-ઉપાસના કરો તો તમને આખા વર્ષની એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે.
આ દિવસે ઉપવાસ અને જળથી પૂર્ણ કુંભ-ઘડાનું દાન મંદિરમાં અથવા બ્રાહ્મણને કરવાથી સર્વપ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુને તુલસીદલ અર્પણ કરવા, પુરુષસૂક્તનું પઠન પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. સાથોસાથ શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પઠન પણ શુભ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે જેટલું બને તેટલું ભગવાનનું નામ સ્મરણ કરવું અને યથાશક્તિ ઓમ્ વિષ્ણવે નમઃ - મંત્રનાં જાપ પણ કરી શકાય છે.