ભાજપના ગુજરાત પ્રદેશના પ્રમુખ તથા અમદાવાદ શહેરના પ્રમુખ કોણ બનશે?

બુધવાર, 27 નવેમ્બર 2019 (12:26 IST)
ભાજપના ગુજરાત પ્રદેશના પ્રમુખ તથા અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ કોણ બનશે તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપના ટોચના સુત્રો અને ગાંધીનગર સચિવાલયના સૂત્રો જણાવે છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તથા અમદાવાદ શહેરના હાલના ભાજપના પ્રમુખ જગદીશ પંચાલની ચોક્કસપણે હકાલપટ્ટી થવાની છે. તેમની જગ્યાએ અમિત શાહના વિશ્વાસુ ગણાતા નેતાઓની પસંદગી કરવામાં આવશે.  
હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તમામ મોર્ચે નિષ્ફળ ગયા હોવાની વાતો ભાજપના જ આગેવાનો કરી રહ્યાં છે આથી તેમને બદલી નાખવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તેમની જગ્યાએ ઉત્તર ગુજરાતના કોઈ પાટીદાર નેતાને પ્રમુખ બનાવાશે. કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં એવો સિલસિલો રહ્યો છે કે જો મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાંથી આવતા હોય તો પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતના હોય છે પરંતુ ઘણા વખત પછી એવું બન્યું છે કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ એમ બંને નેતા સૌરાષ્ટ્રના છે. આવી સ્થિતિને કારણે સરકાર અને સંગઠનમાં આંતરિક અસંતોષ જોવા મળે છે. ભાજપના અન્ય વિસ્તારના આગેવાનો અને નેતાઓમાં પણ સૌરાષ્ટ્રની લોબી અંગે ખુબ જ આક્રોશ દેખાઇ રહ્યો છે. 
સૂત્રો જણાવે છે કે ભાજપ હાઈકમાન્ડ કોઇ યુવા નેતા એટલે કે ૫૦ વર્ષની આસપાસ કે તેનાથી નાના હોય તેને જ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવા માગે છે. આવા ક્રાઈટેરિયા માં ઉત્તર ગુજરાતમાં હાલમાં રજની પટેલ તથા કે.સી. પટેલનું નામ ટોચ પર છે. ઉપરાંત નીતિન પટેલ ની નજીકના ગણાતા ધારાસભ્ય ઋષિકેષ પટેલ પણ પ્રદેશ પ્રમુખની હરીફાઈમાં છે.
જોકે 2017ની ચૂંટણીમાં હારી ગયેલા શંકર ચૌધરી છેલ્લા ઘણા સમયથી સાઇડમાં થઈ ગયા છે. હાઈ કમાન્ડ શંકર ચૌધરીને પણ પ્રમુખ બનાવી શકે છે. સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવાની વિચારણા હાઇકમાન્ડે કરી છે. ઉપરાંત કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ તથા ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે અમદાવાદ શહેરના હાલના પ્રમુખ જગદીશ પંચાલની નીતિરીતિ સામે પણ ભાજપના કાર્યકરોમાં અસંતોષ છે. અનેક વખત તેમની સામે કાર્યકરોએ ફરિયાદ કરી છે. વિધાનસભામાં પણ જગ્દીશ પંચાલે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરને ગંદી ગાળો બોલતા વિધાનસભામાં જબરદસ્ત તોફાન થયું હતું.
કોર્પોરેશનના અધિકારીઓ પણ જણાવે છે કે જગ્દીશ પંચાલનું વર્તન ખુબ જ તોછડુ હોય છે. આવી પરિસ્થિતિમાં આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે આથી ભાજપ હાઇકમાન્ડ જગ્દીશ પંચાલને રિપિટ કરે એવી શક્યાત દેખાતી નથી. તેમની જગ્યએ હર્ષદ પટેલ અથવા અમરાઈવાડીની બેઠક પરથી ચૂંટણી જીતેલા ધારાસભ્ય જગદીશ પટેલની પસંદગી કરવામાં આવી શકે છે
હાલમાં પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ માટેના લગભગ 8 થી 10 સંભવિત નામ મોકલાવ્યા છે પરંતુ ભૂતકાળમાં ઘણી વખત લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી વખતે અને અન્ય લોકોમાં પણ એવું બન્યું છે કે જે ઉમેદવાર કે કોઈ નેતાના નામ ચર્ચામાં હોય તેને બદલે કોઇ નવો જ નેતા કે અન્ય ઉમેદવારો આવી જતો હોય છે એટલે પ્રદેશ પ્રમુખ અને અમદાવાદના શહેર પ્રમુખની નિમણૂકમાં પણ ભાજપ હાઈકમાન્ડ કોઈ નામ ચર્ચામાં ન હોય તેવા નેતાને પણ મૂકી દેશે તો કોઈને નવાઈ લાગશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર