ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા મેરી ટાઇમ લૉ અને ઇન્ટરનેશનલ ટ્રેડ લૉના પ્રથમ શૈક્ષણિક વર્ષનો શુભારંભ

બુધવાર, 31 જુલાઈ 2019 (11:08 IST)
ગાંધીનગર: ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા મેરીટાઈમ લૉ અને ઈન્ટરનેશનલ ટ્રેડ લૉમાં એલ.એલ.એમ કાર્યક્રમ શરૂ કરી અને આ અભ્યાસક્રમો દ્વારા પ્રથમ શૈક્ષણિક કાર્યક્રમનો શુભારંભ થયો ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા એલ.એલ.એમ મેરીટાઇમ લૉમાં વિશેષજ્ઞતાનો એક વર્ષના કાર્યક્રમની શરૂઆત કરી અને આ ક્ષેત્રે પદવી આપનાર પ્રથમ યુનિવર્સિટી બની છે. જ્યાં સુધી ઈન્ટરનેશનલ ટ્રેડ લૉની વાત છે,ત્યાં ભારતમાં અમુક યુનિવર્સિટીઓ દ્વારા આ વિષયને સબંધિત અમુક મોડ્યુલો પર જ ધ્યાન કેંદ્રિત કરવામાં આવે છે,પરંતુ ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા આ વિષયને સબંધિત તેમજ ઈન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રદાન કરવામાં આવશે જે વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સીટીઓની સરખામણીમાં વધુ માહિતી પ્રદાન કરનાર બની રહેશે.
ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની પ્રથમ બેચમાં ૧૩ વિદ્યાર્થિઓ દ્વારા એલ.એલ.એમ મેરીટાઈમ લૉ અને ૧૪ વિદ્યાર્થીઓ દ્વારા એલ.એલ.એમ ઈન્ટરનેશનલ ટ્રેડ લૉ પસંદ કરી કુલ ૨૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. સામાન્ય રીતે પ્રખ્યાત સંસ્થાઓ/યુનિવર્સિટીમાં જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવતા હોય ત્યારે તેની પ્રથમ બેચમાં સિંગલ ડિઝીટ સંખ્યામાં પ્રવેશ થતો હોય છે પરંતુ, જીએમયુમાં ડબલ ડિઝીટમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને આ પરિપેક્ષમાં હકારાત્મક સ્વરૂપે શુભારંભ થયો હતો. હાલમાં જીએમયુ દ્વારા તેમની પોતાની માળખાગત સુવિધાઓ ઉભી ન થાય ત્યા સુધી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે હંગામી કેમ્પસ ઉભુ કરી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
જેન્ડર ડાયવર્સીટી આ બેચની એક અલગ લાક્ષણિકતા હતી જેમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓમાં છોકરાઓની  સરખામણીમાં છોકરીઓની સંખ્યા વધારે હતી જેમાં ૧૬ છોકરીઓ અને ૧૧ છોકરાઓ સાથે પ્રથમ બેચમાં કુલ ૨૭ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસક્રમ શરૂ થયો છે. વિદ્યાર્થીઓ દ્વારા દાખવવામાં આવેલ રસ અને ઉત્સુકતાને ધ્યાને લઈ પ્રવેશ પ્રક્રિયા ૩૧ ઓગસ્ટ,૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે. આ અભ્યાસક્રમોમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે, તમિલનાડુ,કેરલ, કર્નાટક, ત્રિપુરા, ગુજરાત, ઓડિશા તેમજ જમીનથી જોડાયેલ રાજ્યો જેવા કે, છત્તીસગઢ, દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે. ફ્ક્ત ૫ વિદ્યાર્થીઓ જ ગુજરાતના છે.
ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા પ્રદાન કરવામાં આવતું શિક્ષણ અતિવિશેષ અને મેરીટાઈમ તેમજ આયાત-નિકાસ સબંધિત ક્ષેત્રની હાલની જરુરિયાતો મુજબનું છે. આ પ્રકારના અભ્યાસક્રમો પ્રદાન કરતી સંસ્થાઓ પણ મર્યાદિત છે ત્યારે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીએ ભારતની એક માત્ર એવી યુનિવર્સિટી છે જે એલ.એલ.એમ મેરીટાઈમ લૉ અને એલ.એલ.એમ ઈંટરનેશનલ ટ્રેડ લૉમાં ફુલ ટાઈમ એક વર્ષના અભ્યાસક્રમ થકી એલ.એલ.એમ ની પદવી પ્રદાન કરે છે જ્યારે અન્ય યુનિવર્સીટીઓ દ્વારા બે વર્ષના એલ.એલ.એમ,પાર્ટ ટાઈમ અથવા ડિસ્ટન્સ લર્નિંગ એલ.એલ.એમ અભ્યાસક્રમો પ્રદાન કરવામાં આવતા હોય છે.
 
આ યુનિવર્સિટી દ્વારા પ્રદાન કરવામાં આવતા અભ્યાસક્રમોની એક વિશેષ લાક્ષણિકતા એ છે કે, પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં રોટરડેમ અને નેધરલેન્ડ ખાતે બે અઠવાડિયાની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ટુરનો પણ સમાવેશ કરવામાં આવે છે. જીએમયુ દ્વારા પ્રદાન કરવામાં આવનાર શિક્ષણ ફક્ત ક્લાસરૂમ પૂરતુ મર્યાદિત ન રાખતા, વિદ્યાર્થિઓને બંદરો,શીપ ઓનર એશોશીએશન અને કાયદાકિય પ્રેકટીસ કરતા પ્રોફેશનલ્સ સાથે મુલાકાત કરી અને તેમના અનુભવો તેમજ હાલની મુખ્યધારાની જરુરીયાતો મુજબનું શિક્ષણ મળી  રહે તે હેતુ વૈશ્વિક પ્રખ્યાત મેરીટાઈમ યુનિવર્સિટી જેવી કે, ઈરાસ્મસ અને એસ.ટી.સી ઈન્ટરનેશનલ સંસ્થાઓ સાથે પણ કોલોબ્રેશન કરવામાં આવ્યું છે.
 
આ પ્રકારના શિક્ષણથી તૈયાર થનાર વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં અગ્રેસર રહે તે હેતું ફિનિશીંગ સ્કુલની તાલીમ પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ફિલ્ડ સબંધિત તાલીમ મળી રહે તે હેતુ પખવાડીક બંદરિય મુલાકાતોનું પણ આયોજન કરવામાં આવેલ છે. હવે,જીએમયુ દ્વારા, સપ્ટેમ્બર,૨૦૧૯થી, ઈરાસ્મસ યુનિવર્સિટી અને એસ.ટી.સી ઈન્ટરનેશનલના સહયોગથી સેન્ટર ફોર એક્ઝીક્યુટીવ એજ્યુકેશન થકી ટુંકા ગાળાના એક્ઝીક્યુટીવ ડેવલપમેન્ટ અભ્યાસક્રમો પણ પ્રદાન કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર