ગુજરાત 37% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર

મંગળવાર, 25 મે 2021 (09:59 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી ૩૭% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર રહ્યું છે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ સતત બીજા વર્ષે ગુજરાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં દેશભરમાં સૌથી વધું એફ.ડી.આઇ. મેળવવાની આ સિદ્ધી પ્રાપ્ત કરી છે. 
 
આ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં ૯૪% ટકા જેટલું આવ્યું છે. આ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ ૭૮ % છે.આ ક્ષેત્રે આવેલા એફ.ડી.આઇમાં ગુજરાત પછીના ક્રમે રહેલા રાજ્યોમાં કર્ણાટક માત્ર 9 ટકા અને દિલ્હી 5 ટકા એફ.ડી આઇ હિસ્સો ધરાવે છે.
 
નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ ટકા વિદેશી રોકાણ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રિમ છે ત્યારબાદના ક્રમે રહેલા મહારાષ્ટ્રમાં ૨૭ ટકા અને કર્ણાટક ૧૩ ટકા વિદેશી રોકાણ આવ્યું છે એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર કરતા ૧૦ % અને કર્ણાટક કરતા ૨૪% વધું વિદેશી મુડી રોકાણ સાથે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ટ્રાન્સપેરેન્ટ પોલીસી તથા વિવિધ ઇન્સેન્ટીવ્સના પરિણામે દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.      
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે. ઇન્ડસ્ટ્રી પોલિસી ર.૦ માં ઊદ્યોગોને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે તેની ફલશ્રુતિએ કોરોના સંક્રમણના આ કપરા વર્ષો દરમિયાન પણ રાજ્યમાં આવેલા એફ.ડી.આઇ.માં માતબર વધારો થયો છે. 
 
ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષના ૭૪.૩૯ બિલિયન અમેરીકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦ % વધું ૨૦૨૦-૨૧ દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.
 
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફોરૈન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને વિવિધ રાજ્યોના તેમાં પ્રદાન અંગેની વિગતો જારી કરતા એક યાદીમાં જણાવ્યું છે કે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફ.ડી.આઈ.)માં અસરકારક નીતિ સુધારણા, રોકાણની સુવિધા તેમજ સરળ વ્યવસાયિક નીતિઓને કારણે તેમજ  સરકાર દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાઓના પરિણામે દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે. આવા વિવિધ પગલાઓને કારણે ભારત વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર