રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. અહીં નવસારી, વલસાડ, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે. આજે સોમવારે વલસાડની ઔરંગ નદીએ ભયજનક સપાટી વટાવી છે. તો ડાંગમાં ભારે વરસાદના પગલે નદીઓમાં ધસમસતા નીર આવ્યાં છે. જ્યારે નવસારીમાં આવેલો કોઝ-વે તૂટી ગયો છે. શનિવારે સૂત્રાપાડાના ધામળેજમાં વધુ 11 ઈંચ અને કોડીનારમાં 6 ઈંચ, માળીયાહાટીના પંથકમાં 24 કલાકમાં 18 ઈંચ ખાબક્યો હતો. જેના કારણે ભાખરવડ ડેમ અઢી ફિટે ઓવરફ્લો થતાં માળીયા સહિતના વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતાં.