ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢે છે ગુજરાત પોલીસ, ૧૬૮ પોલીસ કર્મીઓને મેડલ એનાયત

શુક્રવાર, 29 નવેમ્બર 2019 (13:25 IST)
ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ દેશભરમાં લેવાય છે. ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગૂન્હો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે.
મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંન્દ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા હતા. 
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ વિશિષ્ટ સેવા માટેના ૧૮ પોલીસ ચન્દ્રક તેમજ પ્રસંશનીય સેવા માટેના ૧પ૦ પોલીસ પદક એનાયત કર્યા હતા. વિજય રૂપાણીએ જણાવ્યું કે, પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે.ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઇમ રેટ અને ક્રાઇમ ડિટેકશન રેટ મેન્ટેઇન કરવામાં આવ્યો છે અને આથી જ લોકોની ફરિયાદ- સમસ્યાઓ નિવારી શક્યા છીએ. 
શહેરોમાં વસતી ગીચતા વધી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આવા અનેક પડકારોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં થનારા શક્ય ગુનાઓને નિવારવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ ટેકનોસેવી છે. અદ્યતન ઉપકરણોના ઉપયોગથી હવે, ગૂના આચરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરનારા તત્વોને પણ શોધી કાઢવાનો પડકાર ઝિલવા સક્ષમ છે. તેમણે કહ્યું કે, માથાભારે તત્વોને કારણે ઘણીવાર સમાજમાં ભયનો માહોલ પ્રસરે છે, આવા સમયે લોકોને સુરક્ષા પૂરી પાડવી તથા કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું પોલીસની ફરજ બનતી હોય છે. ગુજરાત પોલીસની કડપ અને છાપ જ એવા છે કે સામાન્ય માનવીને પણ સુરક્ષિતતાનો અહેસાસ સતત થતો રહે છે.
પોલીસ પ્રજાના મિત્ર તરીકે પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદિતા રચાઇ છે.  ગુજરાત પોલીસે પ્રોપીપલ પોલીસીંગનો જે અભિગમ અપનાવ્યો છે તે પ્રજા-પોલીસને વધુ નજીક લાવે છે એમ પણ તેમણે પોલીસ દળની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું હતું. કોમી તનાવ હવે રાજ્યમાં ભૂતકાળ બની ગયો છે. નાગરીકોને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવામાં ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સફળ નીવડી છે. તેમણે ગુજરાતને વિકાસના વધુ નવા સિમાચિન્હો પાર કરાવવામાં પોલીસદળની હજુ પણ વધુ ઉત્કૃષ્ટતા-સજ્જતા માટે પણ આહવાન કર્યુ હતું.
 
ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમજ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા તે તથા ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા તે પદક આજે અર્પણ થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર