૩ મહિનામાં રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણીઃ આ વખતે પણ હાઈવોલ્ટેજ ડ્રામા ખેલાવાની શક્યતા

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (15:15 IST)
ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ૪ સભ્યો અરૂણ જેટલી, પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા અને શંકર વેગડની મુદત બીજી એપ્રિલે પુરી થાય છે તેથી માર્ચ સુધી તેની ચૂંટણી આવી રહી છે. આ વખતે ભાજપની બેઠકો ૨૧ જેટલી ઘટી છે અને કોંગ્રેસની એટલી બેઠકો વધી છે તેની સીધી અસર રાજ્યસભાની ચૂંટણી પર પડશે. રાજકીય તોડફોડની શકયતા ડોકાવા લાગી છે.

જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ નવા સંખ્યા બળની દ્રષ્ટિએ ભાજપ પાસે બે સભ્યો ચૂંટાવા જરૂરી ઉપરાંત ૪ ધારાસભ્યોની સંખ્યા વધે છે. જ્યારે કોંગ્રેસ અને અન્યની સંખ્યા મળી બે સભ્યો ચૂંટાવામાં ૧૧ જેટલા ધારાસભ્યો ખુટે છે. આ પ્રાથમિક ગણિત છે. ભાજપના બે અને કોંગ્રેસના એક સભ્ય સરળતાથી રાજ્યસભામાં ચૂંટાઈ શકે તેમ છે. જો બન્ને પક્ષ વચ્ચે બબ્બે બેઠકોની સમજુતી ન થાય તો ચોથી બેઠક જીવતા માટે ગયા જુલાઈમાં શ્રી અહેમદ પટેલને જીતાડવા અને હરાવવા માટે થઈ હતી તેવી ધારાસભ્યોની ખેંચતાણ થવાની શકયતા રાજકીય સમીક્ષકો નિહાળી રહ્યા છે. જેની મુદત પુરી થઈ રહી છે તે ચારેય સભ્યો ભાજપના છે. નવા સમીકરણ મુજબ તેમા ઘટાડો નિશ્ચિત છે. કોંગ્રેસ અડધો ભાગ માંગે તો સ્વભાવિક છે. ભાજપના ૪ સભ્યોના સ્થાને બે અથવા વધીને ૩ થઈ શકે તેમ છે. હાલ ગુજરાતમાંથી રાજ્યસભાના ૧૧ સભ્યો પૈકી ૯ ભાજપના અને માત્ર બે જ સભ્યો અહેમદ પટેલ તથા મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસના છે. તેમાં ઓછામાં ઓછા એક અથવા મહત્તમ બે નોવધારો નિશ્ચિત બન્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર