ગુજરાતમાં એક સપ્તાહમાં ભૂંકપના કુલ 36 આંચકા અનુભવાયા
મંગળવાર, 5 નવેમ્બર 2019 (17:15 IST)
ઈન્સ્ટિટ્યુટ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)સેન્ટરના આંકડા મુજબ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ એક સપ્તાહમાં ભૂંકપના કુલ 36 આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 12 અને ભચાઉમાં 12 ભૂંકપના આંચકા અનુભવાયા છે. જામનગરમાં બે દિવસમાં ભૂંકપના 6 આચકા અનુભવાયા છે. 4 નવેમ્બરની રાત્રે 7.51 મિનિટે જામનગરમાં જે ભૂંકપ આવ્યો હતો તેની તીવ્રતા 3.7ની હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ શહેરથી 27 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં અને આંચકાની ઉંડાઇ 6 કીમી નોંધાઇ હતી. સરાપાદર ગામે ભૂકંપના આંચકાથી છત અને દીવાલ ધરાશાયી થયા છે. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં આંચકાનો અનુભવ સવિશેષ થતાં લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. કલેકટર કચેરીના કન્ટ્રોલરૂમમાં નોંધાયેલી વિગત અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.7 ની હતી. જયારે આંચકાનું કેન્દ્ર બિંદુ જામનગરથી 22 કિમી દૂર 22.283 અક્ષાંસ અને 70.242 રેખાંશમાં દક્ષિણ-પૂર્વમાં નોંધાયું હતું. જયારે ઊંડાઇ 6 કિમી નોંધાઇ હતી.