ગુજરાતમાં 800 કોર્ટની સામે માત્ર 315 જ સરકારી વકીલ કાર્યરત

ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (11:49 IST)
ગુજરાતના ન્યાયતંત્રની હાલત ખુબ કફોડી બની છે. ગુજરાતની ૮૦૦ કોર્ટમાં માત્ર ૩૧૫ જ સરકારી વકીલો કાર્યરત છે. સરકારી વકીલ રોજ એક જ કોર્ટમાં હાજરી આપી શકે છે. જેના કારણે ૩૮૫ કોર્ટ રોજ સરકારી વકીલો વિના ચાલી રહી છે. જેના કારણે ફરિયાદીને સત્વરે ન્યાય મળી શકતો નથી. 
સમગ્ર ગુજરાતની નીચલી કોર્ટ (જ્યુડિશ્યલ કોર્ટ)ની હાલત ખુબ કફોડી બની છે. જ્યુડિશ્યલ કોર્ટમાં કાર્યરત સરકારી વકીલોની ભારે ખોટ રાજ્યવ્યાપી વર્તાઇ રહી છે. વલસાડ જિલ્લાની પણ આવી જ કંઇક હાલત છે. વલસાડ જિલ્લામાં ૧૮ જ્યુડિશ્યલ કોર્ટ સામે માત્ર ૪ જ સરકારી વકીલ છે. જેના કારણે વલસાડમાં રોજ ૧૪ કોર્ટ સરકારી વકીલની ગેરહાજરીમાં ચાલી રહી છે. જેની માઠી અસર ફરિયાદી પર પડી રહી છે. તેમને ન્યાય મેળવવામાં ખુબ તકલીફ પડી રહી છે. 
કોઇ પણ દેશ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકારી પોલીસ તંત્ર સાથે ન્યાયતંત્ર પણ ખુબ જરુરી રહેતું હોય છે, પરંતુ રાજ્યના ન્યાયતંત્રમાં વકીલની ભારે ખોટ સામે ભાજપ સરકારની ભારે ઉદાસિનતા છતી થઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી વકીલોની ખાલી જગ્યાઓ ભરવા માટે ૨૦૧૪માં પરીક્ષા લીધી હતી. જેમાં ૫૪૩ વકીલોની પસંદગી થઇ હતી. ત્યારબાદ થોડી કોર્ટ બંધ થતાં રાજ્યમાં ૩૮૫ વકીલોની જરુર સામે સરકાર દ્વારા ૩૭૪ વકીલોનું વેરીફીકેશન પૂરું થઇ ગયું હતુ. જોકે, તેમને હજુ સુધી નિમણૂક અપાઇ નથી. વકીલોની ભરતીની પ્રક્રિયા હાઇકોર્ટમાં રીટ દાખલ થઇ હતી, પરંતુ હાઇકોર્ટે આ ભરતી પ્રક્રિયાને યોગ્ય ગણાવી મેરીટ લીસ્ટના આધારે નવેમ્બર ૨૦૧૮માં વકીલોની નિમણૂકનો ઓર્ડર કર્યો હતો. છતાં હજુ સુધી એક પણ વકીલને નિમણૂંક આપી શકાઇ નથી. 
જે કોર્ટમાં સરકારી વકીલ પહોંચી ન શકે એ કોર્ટમાં ન છૂટકે જજે જ કેસ આગળ ચલાવવો પડતો હોવાનું એક વકીલે જણાવ્યું હતું. જેના કારણે ઘણી વખત ફરિયાદ પક્ષની કેટલીક જુબાની યોગ્ય રીતે ન થઇ શકતા નિષ્પક્ષ ન્યાય પર તેની અસર પડતી હોય છે. ઘણા કેસ એવા પણ હોય છે, જે સંપૂર્ણ પણે સરકારી વકીલની ગેરહાજરીમાં જ ચાલી જતા હોય છે. ત્યારે સરકાર દ્વારા નવી ભરતી થાય એ જરુરી બન્યું છે. રાજ્યની લેબર કોર્ટમાં પણ કેસોનો ઢગલો પડયો છે. સરકારી વકીલોની નિમણૂંક થાય તો તેમને લેબર કોર્ટમાં મોકલી તેમના કેસોનું ભારણ પણ ઘટાડી શકાય એમ છે.
 જેની સાથે કલેક્ટર કચેરીના અને ડીએસપી કચેરના કેસોમાં પણ લો ઓફિસર તરીકે સરકારી વકીલોનો ઉપયોગ થઇ શકે એમ છે. જેનાથી તમામ કેસો વધુ ગતિથી આગળ ચાલી શકે છે. વલસાડમાં ૧૮ કોર્ટ સામે અગાઉ ૧૦ વકીલ હતા. જે પૈકી ૬ વકીલો નિવૃત્ત થઇ જતા હાલ માત્ર ૪ વકીલ બચ્યા છે. આ ચારેય વકીલ દીઠ ૪થી ૫ કોર્ટનું ભારણ રહે છે. એક સરકારી વકીલ એક દિવસે એક જ કોર્ટમાં હાજરી આપી શકતા હોય અન્ય કોર્ટ દિવસભર સરકારી વકીલ વિના ચાલે છે. જેના કારણે કેટલાક કેસ પેન્ડીંગ રહે છે. 
આવી જ હાલત સમગ્ર ગુજરાતભરની છેવલસાડ સેસન્સ કોર્ટમાં ૨ વર્ષ અગાઉ ૧ ડીજીપી અને ૩ સરકારી વકીલની ભરતી માટે સ્થાનિક કક્ષાએથી કેટલાક વકીલોના અભિપ્રાય બાદ ઇન્ટર્વ્યુ પણ થઇ ગયા હતા, પરંતુ હજુ સુધી તેમની નિમણૂંક થઇ શકી નથી. હાલના ડીજીપી પણ ૬૫ વર્ષથી વધુના થઇ ગયા હોવા છતાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સરકાર નવી નિમણૂંકમાં કેમ કરતી નથી?  તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર