ખતરનાક કોરોના વાયરસથી ચીનમાં રહેતાં ગુજરાતના 200 વિદ્યાર્થીઓના માથે ખતરો

મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (16:14 IST)
ચીનમાં કોરોના વાયરસને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી અભ્યાસ માટે ગયેલા 200 વિદ્યાર્થીઓ પર પણ ખતરો મંડરાઇ રહ્યો છે. ચીનના વુહાન શહેરમાં 50 વિદ્યાર્થીઓ ફસાયા છે. આ તમામ વિદ્યાર્થીઓ MBBSના અભ્યાસ માટે ચીન ગયા છે. જ્યારે બીજી તરફ મોરબીના સીરામીક ઉદ્યોગમાં ટેકનીશીયન તરીકે કામ કરતા ચીનના 200થી વધુ લોકોનો ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે.ત્યાં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વાલીઓ સરકારને વિનંતી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામને પરત લાવવા માટેની જવાબદારી મુખ્ય સચિવને આપી છે. ફસાયેલા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારના જી.એસ.ડી.એમ.એ અને રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવવાનું આયોજન કર્યું છે. ચીનથી આ વિદ્યાર્થીઓ ગુજરાત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્થાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના રૂપાણીએ મુખ્ય સચિવને આપી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર