મોંઘવારી માટે નાણામંત્રી એક શબ્દનો પણ બજેટ સ્પીચમાં ઉલ્લેખ કર્યો નથીઃ કોંગ્રેસ

ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (00:44 IST)
કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મોટો પ્રશ્ન મોંઘવારી માટે નાણામંત્રી એક શબ્દનો પણ બજેટ સ્પીચમાં ઉલ્લેખ કર્યો નથી. કેન્દ્રિય બજેટ વાયદાના વેપારમાં ફરી એક વખત અવલ્લ સાબિત થનારું છે.



મોંઘવારી આસમાને છે. બેરોજગારી દર વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય બજેટ વધુ એક વખત દેશના કરોડો નાગરિકો સામે છેતરપીંડી સમાન છે. આંકડાઓમાં હેરફેર, યોજનાઓની મોટી મોટી વાતો, શ્રમિક વર્ગો માટે કોઈ નક્કર વાત કરવામાં આવી નથી. શ્રમિકોના હક્ક અધિકાર આપતા કાયદાઓ રદ્દ કરીને ઉધ્યોગગૃહોને લાભ આપવાની ભાજપે વધુ એક જાહેરાત કરી છે. ભાજપને ચુંટણી પ્રચાર સભામાં જે ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ની વાતો હતી તે હવે ‘ડેમોગ્રાફિક ડિજાસ્ટર’તરફ કેન્દ્રીય બજેટ આગળ વધી રહ્યું તેમ જણાય છે. સમગ્ર દ્રષ્ટિએ કેન્દ્રીય બજેટ મોંઘવારી,બેરોજગારી, અસમાનતા વધારનારું અને દેશના સામાન્ય નાગરીકો પર મોંઘવારીનો માર વધારનારું છે. કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખઅર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, બેલગામ મોંઘવારી, મોંઘવારી ઘટાડવા કોઈ જાહેરાત નહિ. ગરીબી / ભૂખમરામાં વધારો, તેની સામેની લડત માટે કોઈ નિતિ નહી. સતત અર્થવ્યવસ્થા પડી ભાંગી રહી છે, રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. મંદી - મોંઘવારી - મહામારી સામે સરકારની કોઈ નક્કર જાહેરાતનો બજેટમાં અભાવ જોવા મળે છે. ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી ભાજપા સરકારની નિતિ સમગ્ર બજેટમાં ફરી એક વખત સ્પષ્ટ જોવા મળી રહી છે.ભારત સરકારનું દેવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માર્ચ - ૨૦૨૩માં રાષ્ટ્રીય દેવામાં ૧૫૦ ટકા જેટલો અધધ વધારો થઈને બસો લાખ કરોડનો આંકડો આંબી ગયું છે. જે ઘણી ચિંતાજનક બાબત છે. મંદી, મોંઘવારી અને મહામારીમાં સપડાયેલા દેશના સામાન્ય કરોડો નાગરિકોને નવી તકો, નવી રાહતો આપવાનું તો દુર પણ તેઓની રોજગારી પુનઃ સ્થાપિત થાય તે માટે પણ કોઈ નક્કર નીતિ બજેટમાં જોવા મળતી નથી. નોટબંદી તથા અણઘડ જી.એસ.ટી. વ્યવસ્થાના કારણે નાના ઉદ્યોગો માટે કોઈ મોટી રાહતની જોગવાઈ જોવા મળતી નથી. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી, મનરેગા, મોંઘવારીમાં સતત વધારો, બેરોજગારી, આર્થિક અસમાનતા, ઘટતી આવક સામે નક્કર આયોજન જોવા મળતું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર