ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.૯મી મેએ ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. પરિણામ બાદ બોર્ડ દ્વારા સાયન્સમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવાનો નિર્ણય લેતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. જેથી વાલીઓ દ્વારા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવામાં આવે તે અંગે બોર્ડમાં રજૂઆત કરાવામાં આવી હતી. જેના પગલે હવે બોર્ડે સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય શિક્ષણ બોર્ડે ગત તા. ૯ મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ ગુણ ચકાસણી અને ઉત્તર અવલોકનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવશે તે અંગે પણ ટૂંકમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે આ વખતે બોર્ડ દ્વારા સાયન્સમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે તેવો નિર્ણય લીધો હતો જેના પગલે વાલીઓમાં રોષ ફેલાયો હતો. બાદમાં બોર્ડ સમક્ષ અનેક વાલીઓએ રજૂઆત કરી હતી, જેમાં ધોરણ ૧૨ સાયન્સમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વાલીઓ તરફથી મળેલી રજૂઆતના પગલે બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા સ્કૂલોને એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની યાદી મોકલી દેવામાં આવેલી હતી. જોકે હવે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાનું નક્કી કરાતા વિદ્યાર્થીઓની યાદી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની સાથે બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. ચાલુ વર્ષે ધોરણ ૧૨ સાયન્સમાં એક વિષયમાં દોઢ હજાર જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જ્યારે બે વિષયમાં દસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ નિર્ણયથી ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેના પગલે વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી.