ગુજરાતમાં અકસ્માતની ગોઝારી ઘટનાઓ, રાજકોટ, સુરત અને બનાસકાંઠામાં ત્રણના મોત

ગુરુવાર, 1 જૂન 2023 (16:49 IST)
પાવાગઢ ડુંગર પર બોલેરો ગાડી પલટી ખાતાં 10 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયાં
 
ગુજરાતમાં મોટા શહેરોમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં અલગ અલગ અકસ્માતોમાં ત્રણ જિંદગીઓ હોમાઈ ગઈ છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટીના પુલ નીચે કાર ખાબકતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠાં થતાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.
 
કાર પુલ પરથી 30 ફૂટ નીચે ખાબકી 
પ્રાપ્ત વિગત મુજબ, આજે અમદાવાદ હાઈવે પર આવેલા બેટીના પુલ ખાતેથી એક કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક કારચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પુલ પરથી 30 ફૂટ નીચે ખાબકી હતી. સમગ્ર ઘટનાને પગલે ધડાકાનો અવાજ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી ગયા હતા તેમજ આ અંગે પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો.
 
એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
પોલીસની પ્રાથમિક તપાસમાં કારમાં ભરતભાઇ કરમચંદાણી અને મોહિતભાઈ શિવનાણી નામની બે વ્યક્તિ સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ બંને વ્યક્તિઓ વડોદરાની હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે આ ગોજારી ઘટનામાં મોહિતભાઈનું ઘટનાસ્થળે નીપજ્યું છે, જ્યારે ભરતભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ અકસ્માતને લઈ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
 
બોલેરો પલટી જતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા 
બીજી તરફ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બોલેરો પલટી જતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કવાંટથી આવેલા 10 જેટલા માઈભક્તો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાસકાંઠાના કંસારી પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે. કંસારી પાસે કારે ટક્કર મારતા બાઈક ટેન્કરની પાછળ ઘુસી ગયું હતું. જેમાં પેટ્રોલ પંપ પર કામ કરતા યુવકનું અકસ્માતમાં મોત થયું હતું.સુરતના પીપોદરા નજીક નેશનલ હાઈવે પાસે અકસ્માત સર્જાતા એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર