રાજ્યમાં 5 હજાર 439 સરકારી પ્રાથમિક શાળાઓ અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્ડ વોલ પણ નથી. આ ઘટ પુરવાની જગ્યાએ રાજ્ય સરકાર હવે 16 હજારથી વધુ સ્કૂલોને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ તરીકે વિકસાવશે. વિધાનસભામાં સુરત ઉત્તરના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ બલરે શિક્ષણમંત્રીને સવાલ પૂછ્યો હતો કે, 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ રાજ્યમાં મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટ શું છે અને તેનાથી શિક્ષણ, સ્કૂલ અને વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? આ સવાલનો લેખિતમાં જવાબ આપતાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 33 જિલ્લા, 254 બ્લોક, 3247 ક્લસ્ટરમાં અંદાજિત 35 હજાર 133 જેટલી ધોરણ 1થી 12ની સરકારી સ્કૂલો છે. આ સ્કૂલો પૈકી 50 ટકા સ્કૂલો એટલે કે 150થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી તમામ સરકારી સ્કૂલોને આગામી પાંચ વર્ષમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ તરીકે વિકસાવવામાં આવેશે. જેમાં રાજ્યમાં સરકારી સ્કૂલના 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.શિક્ષણમંત્રીએ લેખિત જવાબમાં કહ્યું હતું કે, સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત તમામ સ્કૂલોને ભૌતિક અને ડિઝિટલ માળખા ગત સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ સ્કૂલોમાં ભણતા દરેક વિદ્યાર્થીને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળશે. આ પ્રોજેક્ટનું અમલીકરણનું મોનિટરિંગ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરવામાં આવશે.ભારત સરકારની NEP 2020 અનુસાર સ્કૂલ ઓફ એક્સેલેન્સ થકી રાજ્યની સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ 21મી સદીના કૌશલ્યો સાથે ભવિષ્યલક્ષી શિક્ષણ મેળવી શકશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ દેખાવ કરી શકશે. આ પ્રોજેક્ટના મુખ્ય ધ્યેયોમાં દરેક સ્કૂલ ગુણોત્સવ 2.0માં A+ ગ્રેડ મેળવે તેમજ દરેક વિદ્યાર્થીઓ પાયાનું વાંચન, લેખન અને ગણન કેળવે તેનું ખાસ આયોજન કરાશે. સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત દરેક સ્કૂલને આધુનિક માળખાકીય સુવિધાઓ જેમકે પુરતા ઓરડા, લાયબ્રેરી, લેંગ્વેજ લેબ, STEM લેબ વગેરે તેમજ ડિજિટલ સંસાધનો જેમકે ટેબલેટ, લેપટોપ, કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ વગેરે સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. વડોદરાના સયાજીગંજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ શિક્ષણમંત્રીને સવાલ પૂછ્યો હતો કે 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ રાજ્યમાં શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ માટે કોઈ MOU કરવામાં આવ્યાં છે કે કેમ તેના જવાબમાં શિક્ષણમંત્રી વાઘાણીએ લેખિતમા જણાવ્યું હતું કે, MOU હેઠળ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલેન્સના વિદ્યાર્થીઓ માટે એક્સેલેન્ટ કરીક્યુલમ બનાવવામાં આવશે. ધોરણ 6થી આઠમાં ગુજરાતી અંગ્રેજીનું દ્વિભાષિય શિક્ષણ તેમજ ધોરણ 9 પછી અંગ્રેજીમાં શિક્ષણ આપવામાં આવશે. આ માટેનો અભ્યાસક્રમ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સહયોગથી તૈયાર કરવામાં આવશે