રાજકોટના વિંછિયામાં સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી, વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફમાં ગમગીની છવાઇ

મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (18:49 IST)
ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાંની ઘટના સામે આવી છે. રાજકોટના વિંછીયાની આદર્શ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિંછીયા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના વિંછીયામાં સ્થિત આદર્શ સ્કૂલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની છે. આ સ્કૂલ કેમ્પસમાં 10મા ધોરણની વિદ્યાર્થીની ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. સ્કૂલના સત્તાધિશોને જાણ થતાં વિદ્યાર્થીનીને નીચે ઉતારવામાં આવી હતી પણ ત્યાં સુધીમાં તેનું મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થીની વિંછીયા તાલુકાના છાસીયા ગામની રહેવાસી હતી. તે આશ્રમ હોસ્ટેલમાં રહીને ધોરણ 10માં ભણતી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ સ્કુલનું સંચાલન કેબીનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા કરી રહ્યા છે. બનાવના પગલે વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર