કયા કારણોસર ગીરના સિંહો પર આફત આવી 26 સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

સોમવાર, 1 ઑક્ટોબર 2018 (12:18 IST)
વન વિભાગ દ્વારા અન્ય 26 સિંહોને ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા અભ્યારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ તમામ સિંહોને જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગે એવું કહ્યું કે, 26 સિંહોને સાવચેતીના ભાગરૂપે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાક્રમ પ્રમાણે જોઇએ તો, 12 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન કુલ 16 સિંહોનાં મોત થયા છે. 35થી વધુ સિંહોનેં દલખાણિયા રેન્જમાંથી રેસ્ક્યુ કરી અલગ-અલગ રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વન્યપ્રાણી સંરક્ષણના સંદર્ભમાં, આ આંકડો જરૂર ચિંતાજનક કહેવાય. કેમ કે, એક રેન્જમાં 16 સિંહોના મોત થાય અને બીજા 35 જેટલા સિંહોને આ જ રેન્જમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે એ ઘટના સામાન્ય તો નથી જ. અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાની દલખાણીયા રેન્જમાં સાવજોનાં મોતનો સીલસીલો યથાવત રહેતાં સરકાર અને રાજયનું વનતંત્ર દોડતું થઇ ગયું છે અને ગીરનાં તમામ સાવજનું અવલોકન અને પરીક્ષણ કરવાનાં આદેશો છુટયાં બાદ ઉચ્ચ અધિકારીઓ, વેટરનરી તબીબો તેમજ સ્ટાફ તપાસમાં ગુંથાયો છે.જ્યાં 3 વેટરનરી તબીબ અને ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ સઘન સારવાર અપાઇ રહી છે. તેમ છતાં વધુ બે સિંહણનાં મોત નિપજતાં મૃત્યુ આંક 16 પર પહોંચી જતાં તંત્રમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલ 5 સિંહણ અને 1 સિંહબાળને સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તો સ્થિતિ સારી હોવાનું વનતંત્રનાં સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.હાલ તો વનતંત્રની ટીમો જંગલ અને રેવન્યુ વિસ્તારમાં સતત અવલોકન તેમજ સિંહની હિલચાલ પર બાજ નજર રાખી રહી છે. એટલું જ નહીં સિંહ દ્વારા થતાં શિકારનું પણ પરીક્ષણ કરવામાં આવી રહયું છે. ગીર અને નેસ વિસ્તારનાં ખેડૂતો, માલધારીઓ અને પ્રજાનો સહયોગ મેળવી માહિતીઓ એકત્રીત કરી રહયું છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર