ગુજરાતના ચાર ગામની મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદગી

ગુરુવાર, 16 માર્ચ 2023 (11:40 IST)
કેન્દ્ર સરકારની સંસ્થા બ્યુરો ઓફ એનર્જી એફિસીઅન્સી અને રાજ્ય સરકારની ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં ઊર્જા કાર્યક્ષમતાને લગતા વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને પ્રજાને તેના લાભો મળી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતના ચાર ગામને મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે અપનાવવામાં આવેલ છે, તેમ ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.
 
રાજ્યના ચાર મોડલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે ડાંગ જિલ્લાના કોશિમદા ગામ, છોટાઉદેપુર જિલ્લાના પુનીયાવત ગામ, વલસાડ જિલ્લાના નલીમધની ગામ અને સુરત જિલ્લાના મોર ગામની પસંદગી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઉપરોક્ત ચાર ગામના રહેણાંક મકાનો તેમજ અન્ય જાહેર માલિકીની ઇમારતોમાં અંદાજે ૪૫૦૦ જેટલી LED ટ્યુબ લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ૪૫૦૦ નંગ LED ટ્યુબ લાઈટથી દર વર્ષે અંદાજે ૪.૫ લાખ યુનિટ વીજળીની બચત અને દર વર્ષે ૩૬૫.૫ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થશે. આમ, ઊર્જા કાર્યક્ષમ LED ટ્યુબ લાઈટથી સારા પ્રકાશ સાથે વીજળીના બિલમાં રાહત અને વીજળીના ઓછા વપરાશના કારણે પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે.
 
ચાલુ વર્ષ દરમિયાન રાજ્ય સરકારની ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા દ્વારા ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં કુલ ૨૧ હજારથી વધારે LED ટ્યુબ લાઈટ તથા ૨૪ હજારથી વધારે સ્ટાર રેટેડ પંખાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ મળવા સાથે શાળાઓના વીજળી બિલમાં પણ ઘટાડો થશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની બ્યુરો ઓફ એનર્જી એફિસીઅન્સી રાષ્ટ્રીય સ્તરે ઊર્જા કાર્યક્ષમ વસ્તુઓના વેચાણ તથા ફેલાવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્નશીલ છે. આ પ્રવૃત્તિઓને ગુજરાતમાં વેગ આપવા માટે ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા (GEDA)ની નિયુક્તિ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર