ગોંડલના માર્કેટયાર્ડમાં મરચાની ગાંસડીઓ સળગી ગઈ, ખેડૂતોનું લાખો રૂપિયાનું નુકસાન

બુધવાર, 28 નવેમ્બર 2018 (16:06 IST)
સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડની ગણના મોટા યાર્ડમાં થાય છે. ત્યારે હાલ મરચાની સીઝન ચાલી રહી હોય ખેડૂતો મરચાના વેચાણ માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. કોઇ કારણોસર મરચાની હજારો ગાંસડીઓમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર બ્રિગેડના ફાઇટરો દોડી ગયા છે અને આગ પર કાબૂ લેવાના પ્રયાસો થઇ રહ્યા છે. આગથી ખેડૂતો અને વેપારીઓને લાખોનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.

સૂકા મરચાની ગાંસડીમાં આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મરચાની હજારો ગાંસડીમાં આગ લાગતા જ ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા અને દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ધૂમાડાથી લોકોને આંખમાં બળતરા થઇ હતી તેમજ ગળામાં અસર થઇ હતી. આગને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇના જણાવ્યું હતું કે, આ સીઝનમાં મરચા ખુલ્લા પટમાં આવી રાખવામાં આવે છે. પરંતુ કોઇ કારણસર મરચાના ઢગલામાં આગ લાગી હતી. આગ કાબૂમાં આવ્યા પછી જ કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ લગાવી શકાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર