ગુજરાતમાં 'પદ્માવત' ફિલ્મ સામે વિરોધ વકર્યો, ટાયરો સળગાવાયા, ચક્કાજામ( See Photos)
સોમવાર, 22 જાન્યુઆરી 2018 (11:17 IST)
સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત્' રીલિઝ થવાની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ તેની સામે રાજપૂત સમાજનો રોષ વધુ ભભૂકી રહ્યો છે. ગુજરાતમાં આજે ઠેક ઠેકાણે આ ફિલ્મ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જેના ભાગરૃપે ટાયર સળગાવવા ઉપરાંત ચક્કાજામ પણ કરવામાં આવ્યા હતા. તકેદારીના ભાગરૃપે શનિવાર રાતથી રવિવારનો આખો દિવસ ઉત્તર ગુજરાત તરફ અવર-જવર કરતી એસ.ટી.ની ૧૦૮૦ બસ બંધ રાખવામાં આવી હતી. આમ, આ ફિલ્મને લઇને સમગ્ર દિવસ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ મામલાની આગ વિસ્તરતા ગુજરાતની ભાજપ સરકારે પ્રદર્શનકારીઓને શાંત રહેવા અપીલ કરી છે. કરણી સેના અને રાજપૂત સમાજના વિરોધને કારણે અનેક મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરોએ હાલ પૂરતો આ ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં ગત રાત્રિએ નિકોલ વિસ્તારમાં આવેલા એક મલ્ટિપ્લેક્સમાં કરણી સેનાના કાર્યકરોએ તોડફોડ કરીને આગંચપી કરી હતી. આ ઘટના બાદ ફિલ્મને દર્શાવવી કે કેમ તેને લઇને અમદાવાદના મલ્ટિપ્લેક્સ-સિંગલ સ્ક્રિન થિયેટર્સના માલિકો વધુ અવઢવમાં મૂકાઇ ગયા છે.
સામાન્ય રીતે કોઇ પણ નવી ફિલ્મનું એડવાન્સ બૂકિંગ પાંચ દિવસ અગાઉ શરૃ થઇ જતું હોય છે. પરંતુ હાલ અસંમજસભરી સ્થિતિને પગલે થિયેટરના માલિકોએ 'વેઇટ એન્ડ વોચ' ની નીતિ અપનાવી છે. રાજપૂત સમાજ દ્વારા આ ફિલ્મને નહીં દર્શાવવા માટે અનેક થિયેટરને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે. કેટલાક થિયેટરના માલિકોનું માનવું છે કે આ ફિલ્મ રીલિઝ થવાની છે તે અગાઉ બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ જશે. આગામી બે સપ્તાહમાં 'પદ્માવત' સિવાય અન્ય કોઇ મોટી ફિલ્મ રીલિઝ થવાની નથી. જેના કારણે થિયેટરના માલિકો માટે પણ નફો કમાવવા આ મહત્વની ફિલ્મ છે.