સમગ્ર ગુજરાત સાથે વડોદરા શહેર જિલ્લામાં વાતાવરણે કરવટ બદલી હતી. સવારથી ઝરમર વરસાદ સાથે શહેર અને જિલ્લામાં હિલ સ્ટેશન માહોલ થઇ ગયો છે. સુસવાટા મારતા ઠંડો પવન અને વરસાદના કારણે શહેરના માર્ગો ઉપર રેઇન કોટ અને સ્વેટર, જેકેટની જુગલબંધી જોવા મળી હતી. વરસાદી માહોલના પગલે સામાન્ય જનજીવન પર અસર પડી હતી. ઠંડીનો પારો વધીજતા દિવસે તાપણા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા વરસાદની આપવામાં આવેલી આગાહી મુજબ શહેર અને જિલ્લામાં સવારથી કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદના પગલે શહેરમાં વેપાર ધંધા ઉપર અસર રહી હતી. જ્યારે જિલ્લામાં ધરતીપુત્રો શિયાળુ પાકને થયેલા નુકસાનથી ચિંતાતૂર થયા. ધાણા, બટાકા, લસણ, મેથી, ફ્લાવર, કેળ સહિતના પાકને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે શહેરમાં આવતીકાલે પણ વરસાદી માહોલ રહેશે. કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, ત્યારે ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક, બાગાયતી પાક તેમજ શાકભાજી પાકને મોટું નુકસાન થવાની દહેશત સેવાઇ રહી છે