ગુજરાતમાં ત્રણ વર્ષમાં 1177 ખેતમજૂર, 132 ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું

સોમવાર, 6 ઑગસ્ટ 2018 (12:35 IST)
ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૩૦૯ ખેતમજૂર-ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. આ ચિંતાજનક અહેવાલ અનુસાર ખેડૂતો-ખેતમજૂરોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ ૨૦૧૫ કરતા વર્ષ ૨૦૧૬માં ૩૫.૫%નો વધારો નોંધાયો છે. તાજેતરમાં સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૬માં સમગ્ર દેશમાંથી ૨૦૦૦૮ ખેડૂત, ૧૬૩૨૪ ખેતમજૂરોએ આત્મહત્યા કરેલી છે. ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૬ દરમિયાન ૧૧૭૭ ખેતમજૂર અને ૧૩૨ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આમ, ખેડૂતો કરતા ખેતમજૂરોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૬માં સૌથી વધુ ખેડૂત-ખેતમજૂરોએ આત્મહત્યા કરી હોય તેવા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ ૨૩૫૨ સાથે મોખરે છે, જેમાં ૧૪૩૭ ખેતમજૂર અને ૯૧૫ ખેડૂતનો સમાવેશ થાય છે. તેલંગાણાને બાદ કરતા તમામ રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યામાં ઘટાડો અને ખેતમજૂરોની આત્મહત્યામાં વધારો નોંધાયો છે. ખેડૂત અને ખેતમજૂરની આત્મહત્યામાં મોટો તફાવત હોય તેવા રાજ્યમાં ગુજરાત પણ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૫માં ૨૪૪ અને વર્ષ ૨૦૧૬માં ૩૭૮ ખેતમજૂરો દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. આમ, ખેતમજૂરની આત્મહત્યાના પ્રમાણમાં ૫૦%નો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાં ૨૦૧૫ અને ૨૦૧૬ની સરખામણીએ ખેડૂતોની આત્મહત્યામાં ૧૦%નો ઘટાડો થયો છે. પરંતુ આ સમયગાળામાં ખેતમજૂરની આત્મહત્યામાં ૧૦%નો વધારો નોંધાયો છે. તજજ્ઞાોના મતે ૨૦૧૪ અને ૨૦૧૫ના વર્ષમાં દુષ્કાળને લીધે આત્મહત્યાનું પ્રમાણ વધારે થયું હોઇ શકે છે. આ તમામ આંકડા એનસીઆરબી દ્વારા જારી કરવામાં આવેલા છે. મહારાષ્ટ્રમાંથી ૨૦૧૬માં ૨૫૫૦, ૨૦૧૫માં ૩૦૩૦ એમ કુલ ૫૫૮૦ ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર દેશમાંથી ૨૦૧૬માં ૬૩૫૧ ખેડૂત- ૫૦૧૯ ખેતમજૂર, ૨૦૧૫માં ૮૦૦૭ ખેડૂત-૪૫૯૫ ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર