રાજ્યમાં જુલાઈ માસમાં જામ્યા બાદ ચોમાસાએ જાણે ફરી વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનાના હજુ સુધી ખેડૂતો અમી છાંટણાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ ગુજરાત પર હજુ કોઈ સીસ્ટમ સક્રિય નથી. એવામાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 8 ઓગસ્ટ 2020 સુધીમાં ગત વર્ષે 51.63 ટકા વરસાદ પડ્યો હતો, જેની સામે આ વર્ષે 8 ઓગસ્ટ 2021 સુધીમાં 36.17 ટકા વરસાદ થયો છે.
પાછલા વર્ષના પ્રથમ સપ્તાહની સરખામણીએ આ વર્ષે 15 ટકા વરસાદની હજુ સુધી ઘટ છે. અચાનક મેઘરાજા રિસાતા ધરતીપુત્રો પણ ચિંતાતુર બન્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. પરંતુ એકંદરે ઓગસ્ટના બીજા સપ્તાહ સુધી રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાનું લાગી રહ્યું નથી. વરસાદ ન હોવાને કારણે ગરમીનો પારો પણ વધ્યો છે. એવામાં વાવણી બાદ વરસાદની રાહ જોઈને બેઠેલા રાજ્યના ખેડૂતો હજુ આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.