ક્રાઈમ બ્રાંચ મહાઠગ કિરણ પટેલને આજે કોર્ટમાં રજૂ કરશે, 14 દિવસના રિમાન્ડ માંગશે

શનિવાર, 8 એપ્રિલ 2023 (14:04 IST)
મોટી રાજકીય વગ હોવાના દાવા કરીને કિરણ લોકોને છેતરતો હતો
 બાયડ, અમદાવાદ અને કાશ્મીર સહિતના સ્થળોએ તેની સામે કેસ થયાં છે
 
અમદાવાદ, શુક્રવાર
 
શ્રીનગરમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઉચ્ચ અધિકારી તરીકે પરિચય આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી મેળવનાર મહાઠગ કિરણ પટેલને લઇને ક્રાઇમબ્રાંચનો સ્ટાફ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યો હતો. કિરણ પટેલને રાત્રે મેડીકલ .ચેકઅપ બાદ આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરૂદ્વ થલતેજમાં રૂપિયા 15 કરોડનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવાનો અને ઘોડાસરમાં બંગલો ભાડે લીધા બાદ ખાલી નહી કરવાનો ગુનો નોંધાયો છે. ત્યારે કિરણ પટેલની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
 
રિમાન્ડ મળ્યા બાદ વધુ પુછપરછ હાથ ધરાશે
ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કિરણ પટેલ સામે પાંચ ગુના નોંધાયાં છે. કયા કયા ગુનાઓ આચર્યા છે તેની તપાસ કરાશે. આજે સાંજે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે. તેમણે કહ્યું હતું કે, રિમાન્ડ મળ્યા બાદ વધુ પુછપરછ હાથ ધરાશે. મોટી રાજકીય વગ હોવાના દાવા કરીને કિરણ લોકોને છેતરતો હતો. બાયડ, અમદાવાદ અને કાશ્મીર સહિતના સ્થળોએ તેની સામે કેસ થયાં છે. તેની મેડિકલ ચેકઅપ બાદ ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર અનેક નેતાઓ અને અધિકારીઓ હાજર છે એ બાબતે પણ તેની પુછપરછ કરીને તપાસ કરવામાં આવશે. કિરણ પોતે કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું કહી વિદેશમાં નોકરી કરતો હોવાનું પણ જણાવે છે જેથી તેની પણ તપાસ કરવામાં આવશે. 
 
પોલીસ કિરણને લઈને શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચી હતી
પીએમઓમાં એડીશનલ  સેક્રેટરીનો હોદો ધરાવતો હોવાનું કહીને શ્રીનગરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી મેળવનાર મહાઠગ કિરણ પટેલના એક પછી એક અનેક પરાક્રમ બહાર આવ્યા હતા. જેમાં તેણે સિંધુભવન રોડ પર આવેલો રૂપિયા ૧૫ કરોડનો બંગલો ખરીદવાનું કહીને વિશ્વાસ કેળવ્યા બાદ બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે ક્રાઇમબ્રાંચે કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરૂદ્વ ગુનો નોંધ્યો હતો.   આ ઉપરાંત, કિરણ પટેલ  ઘોડાસરમાં આવેલા પ્રેસ્ટીજ બંગલો પણ  ભાડે રહેવાના નામે પચાવી પાડયો હતો. જે ગુનો પણ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવ્યો હતો. આ બંને ગુનામાં કિરણ પટેલની ધરપકડ કરવાની હોવાથી અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ શ્રીનગર પહોંચી હતી અને ગુરૂવારે સવારે તેને લઇને શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર