પત્નીએ પતિના અફેરની શંકાએ ફેસબુકમાં ફેક આઈડી બનાવી બિભત્સ મેસેજ મોકલ્યાં

બુધવાર, 22 મે 2019 (13:17 IST)
અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતી મહિલાને ફેસબુક પર નકલી આઈ.ડી.બનાવીને બિભત્સ કોમેન્ટો મોકલનારી મહિલાની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી મહિલા આરોપી મહિલાના પતિની કંપનીમાં કામ કરતી હતી. આથી તેના પતિ સાથે ફરિયાદી મહિલાને પ્રેમસંબંધ હોવાની શંકા હોવાથી તેણે આવું કર્યું હતું. આ મામલે મળતી માહિતી પ્રમાણે સેટેલાઈટમાં રહેતી અને વિઝા કન્સલ્ટન્સી સર્વિસની ઓફિસમાં કામ કરતી મહિલાએ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે 30 નવેમ્બર, 2018થી ફેસબુક પર ધારા પટેલ અને સ્મિતા પટેલ નામના ફેક ફેસબુક આઈડી બનાવેલા છે. જે આઇડીનાં પ્રોફાઇલ ફોટોમાં પતિનો ફોટો લગાવેલો છે. જેનાથી તે તેના મિત્રો તથા સગા સંબંધીઓને અશ્લીલ મેસેજ તેમજ ધમકી આપે છે. આ અંગે ગુનો દાખલ કરીને સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.બી.બારડને તપાસ સોંપવામાં આવી હતી.બે અલગ અલગ નામથી બનાવાયેલા ફેક ફેસબુક આઈડીની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન અશ્લીલ મેસેજ કરનારા એક મહિલા હોવાનું જણાતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને ઘાટલોડીયામાં નયન રમ્ય એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષની એકતા નિરલભાઈ પટેલની ધરપકડ કરીને તેનો મોબાઈલ કબજે કર્યો હતો.આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે તેમણે બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી પતિની સહકર્મી મહિલાને માનસિક રીતે હેરાન કરવા માટે અશ્લીલ મેસેજ કર્યા હતાં. પુછપરછમાં એકતા પટેલે પોલીસને જણાવ્યું હતું કે આ મહિલા તેના પતિની વિઝા કન્સ્લટન્સીની કંપનીમાં નોકરી કરતી હતી. જેમાં તેના પતિ અને આ મહિલા વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા હોવાથી તેણે પરેશાન કરવા આ કૃત્ય કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર